News of Sunday, 8th February 2026
પેશાવરના રસ્તા પર જ્યારે બ્રિટિશ હુકમ સામે ગર્જી ઉઠી ગઢવાલી રાઇફલ્સ: 'અમે નિઃશસ્ત્ર દેશબંધુઓ પર ગોળી નહીં ચલાવીએ'
કિસ્સાખવાની બજારમાં કેપ્ટન રિકેટના આદેશને ફગાવી ચંદ્રસિંહ ગઢવાલીએ રચ્યો નવો ઈતિહાસ; પઠાણોના લોહીથી પેશાવરને લાલ કરવાના અંગ્રેજોના મનસૂબા પર ગઢવાલી સૈનિકોએ ફેરવ્યું પાણી

પેશાવર: ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં 23 એપ્રિલનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત છે. આ એ દિવસ હતો જ્યારે અહિંસાના શસ્ત્ર સામે બ્રિટિશ સામ્રાજ્યની બંદૂકો નમી ગઈ હતી. 'સરહદ ગાંધી' ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની ધરપકડના વિરોધમાં પેશાવરના કિસ્સાખવાની બજારમાં હજારો પઠાણો ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં 'ઇન્કિલાબ ઝિંદાબાદ'ના નારા ગુંજી રહ્યા હતા. એક બ્રિટિશ અધિકારીની મોટરસાઇકલ નીચે કચડાયેલા લોકોના આક્રોશને ડામવા માટે અંગ્રેજ શાસકોએ સેનાની ચાર બટાલિયન ઉતારી દીધી હતી, જેનો હેતુ માત્ર ભીડને વિખેરવાનો નહીં પણ રક્તપાત સર્જવાનો હતો.
કાબુલ ગેટ સામે હજારો નિઃશસ્ત્ર પઠાણોની સામે રોયલ ગઢવાલ રાઇફલ્સની ટુકડી તૈનાત હતી. કેપ્ટન રિકેટે ભીડને ડરાવવા માટે છેલ્લી ચેતવણી આપી, પરંતુ પઠાણો તેમની જગ્યાએથી એક ઇંચ પણ ખસ્યા નહીં. રિકેટે ગુસ્સામાં આવીને આદેશ આપ્યો, "ગઢવાલી, થ્રી રાઉન્ડ્સ ફાયર!" આ તે ક્ષણ હતી જ્યારે ભારતનો ઇતિહાસ બદલાવાનો હતો. કેપ્ટનની બાજુમાં ઉભેલા હવાલદાર મેજર ચંદ્રસિંહ ગઢવાલીએ પોતાના અધિકારીના આદેશને ફગાવીને ગર્જના કરી, "ગઢવાલી, સીઝ ફાયર!" એટલે કે ગોળીબાર બંધ કરો.
ચંદ્રસિંહનો આદેશ સાંભળતા જ શિસ્તબદ્ધ ગઢવાલી સૈનિકોએ પોતાની બંદૂકો જમીન તરફ નમાવી દીધી. આ દ્રશ્ય જોઈ કેપ્ટન રિકેટ સ્તબ્ધ થઈ ગયો અને લાલચોળ આંખે પૂછ્યું, "આ શું છે?" ત્યારે ચંદ્રસિંહે જે જવાબ આપ્યો તે આજે પણ ભારતીય સૈનિકો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું, "આ બધા નિઃશસ્ત્ર માણસો છે, જેઓ પોતાના હક માટે લડી રહ્યા છે. અમે અમારા જ દેશના ભાઈઓ પર ગોળીબાર કેવી રીતે કરી શકીએ?" એક ભારતીય સૈનિકની આ નૈતિક હિંમતે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા.
આ ઘટના બાદ ચંદ્રસિંહ ગઢવાલી અને તેમના સાથીઓ પર કોર્ટ માર્શલ ચલાવવામાં આવ્યું અને તેમને સખત સજા થઈ, પરંતુ તેમણે જે ચીલો ચાતર્યો તેણે સ્વતંત્રતાની ચળવળમાં સૈનિકોની ભૂમિકા બદલી નાખી. વીર ચંદ્રસિંહ ગઢવાલી આજે પણ પેશાવરના હીરો તરીકે ઓળખાય છે, જેમણે સાબિત કર્યું કે વફાદારી દેશ અને માનવતા પ્રત્યે હોવી જોઈએ, અન્યાયી શાસક પ્રત્યે નહીં. રમેશ પોખરિયાલ 'નિશંક' ના પુસ્તક મુજબ, આ ઘટનાએ સાબિત કર્યું કે લોખંડી પુરુષો સામે લોખંડી ઈરાદાઓ જ વિજયી બને છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
