<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મલેશિયાના પીએમ પણ નીકળ્યા ભારતીય અભિનેતા MGRના જબરા ફેન: પીએમ મોદીએ કુઆલાલંપુરમાં ખોલ્યા મિત્રતાના નવા દ્વાર

વડાપ્રધાન મોદીના સન્માનમાં આયોજિત લંચમાં ગુંજ્યું ‘નાલાઈ નમ્મતે’નું ગીત; ભારત-મલેશિયા વચ્ચે તમિલ સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યોના અતૂટ બંધન પર પીએમનો ભાર

કુઆલાલંપુર: ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોમાં આજે એક નવો જાદુ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાની મુલાકાત દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમના સમકક્ષ અને મિત્ર અનવર ઇબ્રાહિમ ભારતના મહાન અભિનેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચંદ્રન (MGR)ના ખૂબ જ મોટા ચાહક છે. પીએમ મોદીના માનમાં આયોજિત લંચ દરમિયાન જ્યારે વર્ષ 1975ની સુપરહિટ ફિલ્મ ‘નાલાઈ નમ્મતે’નું ગીત રજૂ કરવામાં આવ્યું, ત્યારે વાતાવરણ એકદમ મૈત્રીપૂર્ણ બની ગયું હતું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ પળને યાદગાર ગણાવતા કહ્યું કે, જે રીતે કરોડો ભારતીયો MGRને પ્રેમ કરે છે, તેવો જ આદર મલેશિયાના પીએમના દિલમાં પણ છે.

મલેશિયાની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીનું કુઆલાલંપુર એરપોર્ટ પર અનવર ઇબ્રાહિમે ભવ્ય સ્વાગત કર્યું હતું. મલેશિયા એવો દેશ છે જ્યાં ભારતીય મૂળના લોકો, ખાસ કરીને તમિલોનો મોટો સમુદાય સદીઓથી વસે છે. વડાપ્રધાને એક સમુદાય કાર્યક્રમમાં આ વાત પર ભાર મૂકતા કહ્યું કે, મલેશિયાનો તમિલ ડાયસ્પોરા ત્યાંના સમાજની સેવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ સહિયારા વારસાને વધુ મજબૂત કરવા માટે ભારતે મલાયા યુનિવર્સિટીમાં ‘તિરુવલ્લુવર ચેર’ અને હવે ‘તિરુવલ્લુવર સેન્ટર’ની સ્થાપના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

પરદાના પુત્રા ખાતે મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેમણે ભારત અને મલેશિયાને દરિયાઈ પડોશી ગણાવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ લોકશાહી મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાથી પણ જોડાયેલા છે. મલેશિયા અત્યારે ભારતીય મૂળની વસ્તી ધરાવતો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. આ ઊંડા સ્નેહભર્યા સંબંધો આવનારા સમયમાં વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

MGRના ગીતો અને તમિલ સંસ્કૃતિના માધ્યમથી પીએમ મોદીએ મલેશિયાના લોકોના દિલ જીતી લીધા છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે બંને દેશોના લોકો સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે અને આ ઇતિહાસ જ ભવિષ્યના મજબૂત સંબંધોનો પાયો છે. ભારત-મલેશિયા વચ્ચેના આ ખાસ સંબંધો દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ માટે અત્યંત મહત્વના સાબિત થશે. મિત્રતા અને સન્માનના આ વાતાવરણમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ અત્યંત સકારાત્મક રહી હતી.

(2:34 PM IST)