News of Sunday, 8th February 2026
સિદ્ધુ પરિવારની કોંગ્રેસ સાથે 'કટીંગ': શું નવજોત સિંહ હવે ભાજપમાં કરશે 'ઘરવાપસી'?
રાહુલ ગાંધી વિરુદ્ધ નવજોત કૌરની 'પપ્પુ' વાળી ટિપ્પણીથી રાજકીય ભૂકંપ; કોંગ્રેસે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ સિદ્ધુ દંપતી ફરી કેસરીયો ધારણ કરે તેવી પ્રબળ અટકળો

ચંદીગઢ: પંજાબના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ખેંચતાણનો અંતે વિસ્ફોટક અંજામ આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પૂર્વ ધારાસભ્ય ડૉ. નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. AICC મહાસચિવ ભૂપેશ બઘેલે આ કડક નિર્ણયની જાહેરાત કરી છે. જોકે, આ હકાલપટ્ટી બાદ ડૉ. નવજોત કૌર વધુ આક્રમક બન્યા છે અને તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે 'પપ્પુ' જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા કોંગ્રેસ સાથેના તમામ દરોડા કપાઈ ગયા હોવાનું સ્પષ્ટ જણાય છે.
₹500 કરોડની સુટકેસના આરોપ અને ભ્રષ્ટાચારનો પિત્તો આ વિવાદના મૂળ ગયા વર્ષે ડિસેમ્બરમાં નખાયા હતા, જ્યારે નવજોત કૌરે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ચહેરો બનવા માટે ₹500 કરોડની સુટકેસ ઓફર કરવી પડે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો નવજોત સિંહ સિદ્ધુને CM પદનો ચહેરો બનાવવામાં આવે તો જ તેઓ સક્રિય થશે. પંજાબ કોંગ્રેસ પ્રમુખ રાજા વારિંગ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવા અને સાથે જ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરવાને કારણે રાજકીય પંડિતો માની રહ્યા છે કે સિદ્ધુ પરિવાર ફરી એકવાર ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યો છે.
બળવાખોરીનો ઇતિહાસ અને ભવિષ્યની રણનીતિ નવજોત સિંહ સિદ્ધુનો રાજકીય ઈતિહાસ પક્ષ પલટા અને બળવાખોરીથી ભરેલો રહ્યો છે. 2012માં ભાજપથી શરૂઆત કર્યા બાદ, 2017માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ત્યાં પણ કેપ્ટન અમરિંદર સિંહ અને બાદમાં ચરણજીત સિંહ ચન્ની સાથે તેમનો ગજગ્રાહ જગજાહેર રહ્યો હતો. અત્યારે ટેકનિકલી સિદ્ધુ કોંગ્રેસમાં હોવા છતાં, તેમની પત્નીના રાહુલ ગાંધી પરના વ્યક્તિગત હુમલાએ તેમના માટે કોંગ્રેસના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે 'ક્રિકેટર ટર્ન્ડ પોલિટિશિયન' સિદ્ધુ ફરી ભગવો ધારણ કરે છે કે પછી કોઈ નવો જ ચોકો ફટકારે છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
