<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

વાવાઝોડા ‘માર્ટા’નો હાહાકાર: સ્પેન-પોર્ટુગલ પાણીમાં ગરકાવ, રસ્તાઓ બન્યા દરિયો

મુશળધાર વરસાદ અને પૂરમાં હજારો લોકો બેઘર, ઇબેરિયન દ્વીપકલ્પમાં જનજીવન ઠપ્પ; બચાવ કામગીરી દરમિયાન એક જાંબાઝ કટોકટી કાર્યકરનું કરૂણ મોત, અબજોના નુકસાનની આશંકા

મેડ્રિડ/લિઝબન: યુરોપના ઇબેરિયન દ્વીપકલ્પ પર વાવાઝોડા ‘માર્ટા’એ કાળઝાળ વિનાશ વેર્યો છે. સ્પેન અને પોર્ટુગલમાં આસમાની આફત એવી વરસી છે કે હજારો લોકોએ ઘરબાર છોડી સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો છે. દક્ષિણ સ્પેનના એન્ડાલુસિયામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ભૂસ્ખલન અને પૂરે માળખાગત સુવિધાઓના લીરેલીરા ઉડાડી દીધા છે. સ્પેનિશ સત્તાવાળાઓના મતે, આ તબાહીમાંથી બહાર આવવા માટે અંદાજે 500 મિલિયન યુરો (લગભગ 4500 કરોડ રૂપિયા) થી વધુનો ખર્ચ થવાની ધારણા છે.

પરિવહન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સેંકડો રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને રેલવે વ્યવહાર સ્થગિત કરી દેવાયો છે. કોર્ડોબામાં સ્થિત ઐતિહાસિક રોમન પુલને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ સેવિલા અને ગિરોના વચ્ચેની ફૂટબોલ મેચ પણ રદ કરવી પડી છે. પૂર એટલું ભયાનક છે કે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી 11,000 થી વધુ લોકોને જીમ અને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

પોર્ટુગલમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 26,500 થી વધુ બચાવ કાર્યકરો દિવસ-રાત કાર્યરત છે. કમનસીબે, પોર્ટાલેગ્રે જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને બચાવવા જતાં એક 46 વર્ષીય સ્વયંસેવક કાર્યકરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કુદરતી આફતની ગંભીરતા એટલી છે કે પોર્ટુગલની ત્રણ નગરપાલિકાઓમાં રવિવારે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પણ મુલતવી રાખવાની ફરજ પડી છે. ટાગસ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા કાંઠાના વિસ્તારોને ખાલી કરાવાયા છે.

પોર્ટુગલના વડા પ્રધાન લુઈસ મોન્ટેનેગ્રોએ વર્ષ 2026 ને હવામાનની દ્રષ્ટિએ અસામાન્ય અને હિંસક વર્ષ ગણાવ્યું છે. પર્યાવરણ એજન્સીના ચોંકાવનારા અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં દેશના ડેમોમાંથી એટલું પાણી છોડવું પડ્યું છે જેટલું આખું દેશ એક વર્ષમાં વાપરે છે. ખેતી અને પશુપાલનને અકલ્પનીય નુકસાન થયું છે અને હજુ પણ આગામી થોડા દિવસો સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાથી વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.

(3:57 PM IST)