News of Sunday, 8th February 2026
ભારત-પાકિસ્તાન મહામુકાબલા પર લાગેલી અટકળોનો અંત ઢુંકડો! : ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે તે ૯૯% નિશ્ચિત!
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના શરૂઆતના વિરોધ બાદ આખરે નમતું જોખ્યું : આઈસીસીની કડક ચેતવણી અને વૈશ્વિક દબાણ સામે પીસીબીએ મેચ રમવાની તૈયારી દર્શાવી : ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના

નવી દિલ્હી, તા. 8 : ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ભારત-પાકિસ્તાન જંગ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતા હવે સમાપ્ત થવાના આરે છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે તેવા સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૫ ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબો ખાતે રમાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ રમાવાની શક્યતા ૯૯ ટકા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના આંતરિક સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ અંગે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને મેચ યોજવા અંગે સકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે.
પીસીબીનો શરૂઆતનો વિરોધ અને બાંગ્લાદેશનો મુદ્દો:
અગાઉ, પાકિસ્તાન સરકારે તેમની ટીમને વર્લ્ડ કપમાં ભાગ લેવાની મંજૂરી આપતી વખતે એવી શરત મૂકી હતી કે તેઓ ભારત સામેની મેચ નહીં રમે. પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવવાના બહાને ભારત સામે રમવાનો ઈન્કાર કર્યો હતો. પીસીબીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ કોલંબોમાં ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. પાકિસ્તાનના આ અચાનક અને એકપક્ષીય નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને ખાસ કરીને આઈસીસીમાં ભારે હલચલ મચી ગઈ હતી.
આઈસીસીની લાલ આંખ અને ચેતવણી:
પાકિસ્તાનના આ વલણ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. આઈસીસીએ એક નિવેદન જારી કરીને ચેતવણી આપી હતી કે 'પસંદગીના ધોરણે' ભાગ લેવો તે વૈશ્વિક રમતગમતના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું હતું કે તમામ ક્વોલિફાય થયેલી ટીમોએ સમાન શરતો પર કાર્યક્રમ મુજબ રમવું જ જોઈએ. વધુમાં, પાકિસ્તાનને એવી પણ યાદ અપાવવામાં આવી હતી કે જો તેઓ ભારત સામે રમવાનો ઈન્કાર કરશે તો તેની લાંબા ગાળાની અસરો પાકિસ્તાન ક્રિકેટ અને તેના આર્થિક માળખા પર પડશે, કારણ કે તેઓ પોતે વૈશ્વિક ક્રિકેટ ઈકોસિસ્ટમના સભ્ય અને લાભાર્થી છે.
સમગ્ર વિશ્વની નજર ૧૫ ફેબ્રુઆરી પર:
આઈસીસીના કડક વલણ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે નમતું જોખ્યું હોવાનું જણાય છે. સૂત્રોના મતે, હવે પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચ રમવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈ-સ્કોરિંગ અને રોમાંચક રહેતી હોય છે, ત્યારે આ અહેવાલથી વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. કોલંબોનું સ્ટેડિયમ આ ઐતિહાસિક મુકાબલા માટે સજ્જ થઈ રહ્યું છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
