News of Sunday, 8th February 2026
દહેજ પ્રથા વિરુદ્ધ મજબૂત સંદેશ: વરના પિતાએ 51 લાખ લેવાનો કર્યો ઈન્કાર: માત્ર 1 રૂપિયો સાદગીથી કર્યા લગ્ન
મધ્યપ્રદેશના ભિંડ શહેરમાં દુલ્હાના પિતાએ કહ્યું - અમે લગ્ન કરવા આવ્યા છીએ, સોદો કરવા નહીં: સમગ્ર સમાજને એક નવી દિશા ચીંધી

ભારતીય લગ્નોમાં દહેજ પ્રથા એક મોટો અભિશાપ માનવામાં આવે છે, પરંતુ મધ્યપ્રદેશના ભિંડ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર સમાજને એક નવી દિશા ચીંધી છે. અહીં એક પિતાએ પોતાના પુત્રના લગ્નમાં શગુન તરીકે મળેલા 51 લાખ રૂપિયા વિવેકપૂર્વક પરત કરી દીધા અને માત્ર 1 રૂપિયો તથા શ્રીફળ સ્વીકારીને નવી મિસાલ કાયમ કરી છે.
ભિંડના ખિડકિયા મહોલ્લામાં રહેતા અનોજ પાઠક ના પુત્ર આકર્ષ પાઠકના લગ્ન 5 ફેબ્રુઆરીએ શહેરના જગદીશ મેરેજ ગાર્ડનમાં નક્કી થયા હતા. કન્યા પક્ષ જબલપુરથી 'લગ્ન ફલદાન'ની વિધિ માટે આવ્યો હતો. પરંપરા મુજબ, કન્યા પક્ષે થાળીમાં શગુન તરીકે 51 લાખ રૂપિયા રોકડા મુક્યા હતા. આ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈને એમ હતું કે રિવાજ મુજબ આ રકમ સ્વીકારી લેવાશે.
ફલદાનની વિધિ વખતે જ્યારે આ રકમ દુલ્હાને ભેટ ધરવામાં આવી, ત્યારે પિતા અનોજ પાઠક વચ્ચે આવ્યા અને તેમણે આટલી મોટી રકમ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેમણે હાથ જોડીને કહ્યું, "અમે અહીં લગ્ન કરવા આવ્યા છીએ, કોઈ સોદો કરવા નહીં." તેમણે સન્માન સાથે 51 લાખ રૂપિયા પરત કર્યા અને માત્ર શુકનનો 1 રૂપિયો અને નાળિયેર સ્વીકારીને વિધિ આગળ વધારી. શરૂઆતમાં કન્યા પક્ષને લાગ્યું કે કદાચ તેઓ નારાજ છે, પરંતુ જ્યારે તેમણે કારણ જણાવ્યું ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
દુલ્હાના પિતા અનોજ પાઠકે જણાવ્યું હતું કે, "મારે બે દીકરા છે અને મેં હંમેશા વિચાર્યું હતું કે હું વહુના રૂપમાં દીકરી લાવીશ, દહેજ નહીં. ઘણીવાર સંસ્કારી દીકરીઓના માતા-પિતા આર્થિક સંકોચને કારણે સારા ઘરે વાત નથી કરી શકતા. મારે એ સાબિત કરવું હતું કે દીકરી કોઈ બોજ નથી અને સંબંધો પૈસાથી નહીં પણ સંસ્કારથી બને છે."
આ ઘટનાએ સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે. આજે પણ અનેક પરિવારો દહેજના કારણે દેવામાં ડૂબી જાય છે, ત્યારે ભિંડના આ પરિવારે સાબિત કરી દીધું છે કે સાચી શ્રીમંતાઈ વિચારોમાં હોય છે, બેંક બેલેન્સમાં નહીં.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
