પ્રશાંત કિશોરનો ‘બીજો રાઉન્ડ’: ચૂંટણીમાં પછડાટ બાદ હવે ગામડે-ગામડે જઈ શરૂ કર્યું નવું અભિયાન!
બગાહાથી ‘બિહાર નવનિર્માણ અભિયાન’નો શંખનાદ કરી પીકેએ ડબલ-એન્જિન સરકારને લલકારી : શિક્ષણ અને રોજગારના મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપો સાથે પાંચ વર્ષનો મેગા પ્લાન રજૂ કર્યો

બગાહા : ચૂંટણીના મેદાનમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ અઢી મહિના સુધી શાંત રહેલા 'જનસુરાજ'ના સૂત્રધાર પ્રશાંત કિશોર ફરી એકવાર પૂરા જોશ સાથે રાજકીય ફલક પર પરત ફર્યા છે. રવિવારે પશ્ચિમ ચંપારણના બગાહાથી તેમણે ‘બિહાર નવનિર્માણ અભિયાન’ની સત્તાવાર શરૂઆત કરી, જે સાબિત કરે છે કે તેઓ લાંબી રેસના ઘોડા છે. આઈબી ગેસ્ટ હાઉસ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા પીકેએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણીની હાર એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. તેમણે આગામી પાંચ વર્ષ માટે સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવા પર ભાર મૂક્યો અને કાર્યકર્તાઓને નિરાશા ખંખેરી ફરીથી જનતા વચ્ચે જવાની હાકલ કરી.
પ્રશાંત કિશોરે રાજ્યની એનડીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ડબલ-એન્જિન સરકારે ચૂંટણી જીતવા માટે જનતાને શિક્ષણ અને રોજગાર જેવા પાયાના મુદ્દાઓથી ભટકાવ્યા છે. ખાસ કરીને મહિલાઓને 2 લાખ રૂપિયા આપવાના વચન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, સરકાર માત્ર પ્રલોભનો આપીને મત મેળવી ગઈ છે, પરંતુ હવે જનતા હિસાબ માંગશે. આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનમાં પડતી તિરાડો પર તેમણે ટિપ્પણી કરી કે જનતાએ દરેક પક્ષની ભૂમિકા નક્કી કરી દીધી છે; એનડીએ સરકાર ચલાવે અને વિપક્ષ તેની ભૂમિકા ભજવે, જ્યારે જનસુરાજ જમીની સ્તરે લોકજાગૃતિનું કામ ચાલુ રાખશે.
પીકેના આ નવા અભિયાનનું સૌથી મહત્વનું પાસું ‘સીધો સંવાદ’ છે. તેઓ હવે દરેક જિલ્લામાં પ્રવાસ કરીને માત્ર સભાઓ જ નહીં કરે, પણ ગામડાઓમાં જઈને રાતવાસો કરશે અને લોકોની પાયાની સમસ્યાઓ સમજશે. બગાહાથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન તેમણે સ્થાનિક બજારોની મુલાકાત લીધી અને સામાન્ય લોકો સાથે મન મૂકીને વાતો કરી. મનોજ ભારતી અને એમએલસી અફાક અહેમદ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં શરૂ થયેલું આ અભિયાન બિહારના રાજકારણમાં આગામી સમયમાં કેવો વળાંક લાવશે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
