<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

એપ્સટાઇનનું ‘રશિયન મિશન’: પુતિન સુધી પહોંચવા માટે બિલ ગેટ્સના નામનો ઉપયોગ અને જાસૂસીની આશંકા!

અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજોમાં વિસ્ફોટક ખુલાસો: સેક્સ ટ્રાફિકિંગના આરોપી એપ્સટાઇને પુતિન સાથે 3 કલાકની ગુપ્ત મુલાકાત માટે નોર્વેજીયન નેતાઓનો લીધો હતો સહારો : રશિયન જાસૂસી સંસ્થાઓ સાથેના સંબંધોની શંકાને પગલે પોલેન્ડમાં તપાસ શરૂ

ન્યૂ યોર્ક :  દુનિયાભરમાં સેક્સ ટ્રાફિકિંગ અને સગીરાઓના શોષણ માટે કુખ્યાત બનેલા જેફરી એપ્સટાઇનના કાળા કરતૂતોમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજો અનુસાર, એપ્સટાઇન માત્ર હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ જ નહોતો ચલાવતો, પરંતુ તે રશિયન સત્તાના સર્વોચ્ચ શિખર એટલે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સુધી પહોંચવા માટે મરણિયો થયો હતો. સીએનએનના અહેવાલ મુજબ, વર્ષ 2018 માં એપ્સટાઇને રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે મુલાકાત ગોઠવવા માટે યુરોપ કાઉન્સિલના તત્કાલીન સેક્રેટરી જનરલ થોર્બજોર્ન જેગલેન્ડ પર દબાણ કર્યું હતું. આ ખુલાસાથી પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે કે શું એપ્સટાઇન રશિયા માટે જાસૂસીનું કામ પણ કરી રહ્યો હતો?

આ દસ્તાવેજોમાં સૌથી ચોંકાવનારો ઉલ્લેખ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનો છે. વર્ષ 2013 માં, એપ્સટાઇને જેગલેન્ડને મોકલેલા ઇમેઇલમાં દાવો કર્યો હતો કે તે પુતિન સાથે 'સ્પુટનિક' જેવી મોટી ડીલ કરી શકે તેમ છે અને આ માટે તેણે બિલ ગેટ્સના નામની ભલામણ પણ કરી હતી. તેણે શરત મૂકી હતી કે તે પુતિનને ત્યારે જ મળશે જ્યારે તેને ઓછામાં ઓછી બે થી ત્રણ કલાકની ગુપ્ત મુલાકાત મળે. જોકે, બિલ ગેટ્સે બાદમાં સ્વીકાર્યું હતું કે એપ્સટાઇનને મળવું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. બીજી તરફ, પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે હવે જાહેરાત કરી છે કે તેમનો દેશ રશિયન જાસૂસી સંસ્થાઓ સાથે એપ્સટાઇનના સંભવિત સંબંધોની તપાસ કરશે, કારણ કે એવી શંકા છે કે રશિયા આ કૌભાંડનો ઉપયોગ પશ્ચિમી નેતાઓને બ્લેકમેલ કરવા માટે કરતું હતું.

એપ્સટાઇનના રશિયા કનેક્શનમાં રશિયન રાજદૂત વિતાલી ચુર્કિનનું નામ પણ ઉછળ્યું છે, જેને એપ્સટાઇન ન્યૂ યોર્કમાં નિયમિત મળતા હતા. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ આરોપોને હસી કાઢ્યા છે, પરંતુ દસ્તાવેજો કંઈક અલગ જ વાર્તા કહે છે. 2013 માં એપ્સટાઇને એવો પણ દાવો કર્યો હતો કે તેણે પુતિનની મુલાકાતની વિનંતી નકારી કાઢી હતી કારણ કે પુતિન તેને પૂરતો સમય આપી શકે તેમ નહોતા. આ વાતમાં કેટલું સત્ય છે તે તો હવે તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ એટલું ચોક્કસ છે કે એપ્સટાઇનના પાવર નેટવર્કની જાળ અમેરિકાથી લઈને રશિયાના ક્રેમલિન સુધી ફેલાયેલી હતી.

(9:47 PM IST)