<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

દિલ્હી પોલીસ અને AAP કાર્યકરો વચ્ચે અથડામણ : સૌરભ ભારદ્વાજ સહિત અનેક નેતાઓની અટકાયત

દિલ્હી જલ બોર્ડના ખાડામાં પડી જવાથી કમલ ધ્યાનીના મૃત્યુ અંગે આમ આદમી પાર્ટી રેખા ગુપ્તા સરકાર પર નિશાન સાધી રહી છે

નવી દિલ્હી:  રવિવારની સાંજ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં કોઈ રણમેદાનથી ઓછી નહોતી. દિલ્હી જલ બોર્ડના અસુરક્ષિત રીતે ખોદવામાં આવેલા 4.5 મીટર ઊંડા ખાડામાં પડી જવાથી બેંક કર્મચારી કમલ ધ્યાનીના કરુણ મોત બાદ આમ આદમી પાર્ટીએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું હતું. સૌરભ ભારદ્વાજ અને તેમના સમર્થકો જ્યારે કમલને શ્રદ્ધાંજલિ આપવા મીણબત્તીઓ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે પહેલાથી જ હાજર પોલીસ કાફલા સાથે તેમનું જોરદાર ઘર્ષણ થયું હતું. પોલીસે સુરક્ષાનું કારણ આપીને શ્રદ્ધાંજલિ સભાની મંજૂરી નકારી હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું અને અંતે પોલીસે બળપ્રયોગ કરીને સૌરભ ભારદ્વાજ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

આ વિવાદની જડમાં 30 વર્ષીય કમલ ધ્યાનીનું એ ભયાનક મૃત્યુ છે, જેણે દિલ્હીના વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. શુક્રવારે રાત્રે રોહિણીથી ઘરે પરત ફરી રહેલા કમલની મોટરસાઇકલ જનકપુરીના સર્વિસ રોડ પર ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આશ્ચર્યની વાત એ છે કે આટલા ઊંડા ખાડાની આસપાસ કોઈ મજબૂત બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ નહોતા. કમલ આખી રાત તે કાદવ ભરેલા ખાડામાં મદદ માટે તડપતા રહ્યા, પરંતુ સમયસર કોઈની નજર ન પડતા તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. AAP નેતા સૌરભ ભારદ્વાજે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે જે પોલીસ કમલને બચાવવા માટે આખી રાત સૂતી રહી, તે જ પોલીસ આજે તેની શ્રદ્ધાંજલિ સભા રોકવા માટે આટલી સક્રિય કેમ છે?

હાલમાં જનકપુરી વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અટકાયત કરાયેલા નેતાઓને જનકપુરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજે પોલીસ વાનમાંથી ફોટા શેર કરીને ભાજપ અને લેફ્ટનન્ટ ગવર્નર હેઠળના વહીવટીતંત્ર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, કમલના પરિવારે આ મામલે ન્યાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ દિલ્હીના રસ્તાઓ પર ચાલી રહેલા અધૂરા વિકાસ કાર્યો અને જનતાની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે, જે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધારશે તે નક્કી છે.

(9:47 PM IST)