હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટની ફટકાર પહેલા મમતા બેનર્જી નમ્યા: SIR માટે 8,500 અધિકારીઓની ફોજ ઉતારી!
મુખ્ય ન્યાયાધીશની કડક ટિપ્પણી બાદ મમતા સરકારે રાતોરાત 8,505 અધિકારીઓ ફાળવ્યા: ભાજપે કર્યો વળતો પ્રહાર- "સરકારે પોતાની ભૂલ સ્વીકારી લીધી"

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ‘SIR’ પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટની સુનાવણીના માત્ર 24 કલાક પહેલા મોટો ‘યુ-ટર્ન’ લીધો છે. અત્યાર સુધી અધિકારીઓની અછતનું બહાનું કાઢતી મમતા સરકાર હવે અચાનક 8,505 બી-ગ્રેડ અધિકારીઓને તૈનાત કરવા સંમત થઈ ગઈ છે. રાજ્ય સચિવાલય ‘નબન્ના’ દ્વારા ચૂંટણી પંચને લખાયેલા પત્રમાં આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ફાળવવાની ખાતરી આપવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણીમાં અધિકારીઓની અછત મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને મુખ્યમંત્રીને પોતે હાજર રહીને જવાબ આપવા જણાવ્યું હતું.
SIR પ્રક્રિયા નવેમ્બરથી ચાલી રહી હોવા છતાં, મમતા બેનર્જી તેને NRC (નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટિઝન્સ) નું બીજું સ્વરૂપ ગણાવીને તેનો સખત વિરોધ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મમતા બેનર્જીને સ્પષ્ટ સૂચના આપી હતી કે ભાષાકીય અવરોધ ન આવે તે માટે પૂરતા પ્રમાણમાં અધિકારીઓ પૂરા પાડવામાં આવે. અત્યાર સુધી મમતા બેનર્જી ચૂંટણી પંચ પર ‘વોટ્સએપ કમિશન’ હોવાનો અને ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવતા રહ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના સંભવિત આકરા વલણને જોઈને હવે તેઓ સહકાર આપવા મજબૂર બન્યા હોય તેવું જણાય છે.
રાજકીય મોરચે, ભાજપે આ પગલાને મમતા બેનર્જીની નૈતિક હાર ગણાવી છે. ભાજપના પ્રવક્તા જગન્નાથ ચેટર્જીએ કટાક્ષ કરતા કહ્યું કે, જો આજે સરકાર અધિકારીઓ આપી શકતી હોય, તો તેનો અર્થ એ છે કે અત્યાર સુધી તેઓ જાણીજોઈને કેન્દ્રીય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. બીજી તરફ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મમતા બેનર્જીની કોર્ટમાં વ્યક્તિગત હાજરીને પણ પડકારવામાં આવી છે, જેનાથી આ કેસમાં કાયદાકીય પેંચ વધુ ગૂંચવાયો છે. સોમવારની સુનાવણી પર હવે આખા દેશની નજર છે, કારણ કે આ નિર્ણય બંગાળના ભાવિ રાજકારણની દિશા નક્કી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
