News of Sunday, 8th February 2026
જાપાનમાં ‘તાકાચી’ લહેર: ભાવનાત્મક દાવ ખેલ્યો અને વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા!
વડા પ્રધાન સના તાકાચીનો ઐતિહાસિક વિજય: મતદાનના બે જ કલાકમાં LDP ગઠબંધને બહુમતીનો આંકડો વટાવ્યો : 465 માંથી 312 બેઠકો જીતીને રચ્યો ઈતિહાસ: PM મોદી અને ટ્રમ્પે પાઠવ્યા અભિનંદન: હવે ચીન સામે જાપાન લેશે આક્રમક વલણ

ટોક્યો: જાપાનના રાજકારણમાં એક નવો સૂર્યોદય થયો છે. દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન સના તાકાચીએ વિપક્ષી દળોને પછાડીને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ને પ્રચંડ બહુમતી અપાવી છે. ચૂંટણીના પરિણામો એટલી ઝડપે આવ્યા કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે કલાકમાં જ તાકાચીના ગઠબંધને 233 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. અંતિમ આંકડા મુજબ, તાકાચીની પાર્ટીએ 465 બેઠકોમાંથી 312 બેઠકો પર કબ્જો જમાવ્યો છે. તાકાચીએ ઓક્ટોબરમાં સત્તા સંભાળી ત્યારે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો, પરંતુ આ જંગી જીત સાથે તેમણે સાબિત કરી દીધું છે કે જાપાનની જનતાને તેમના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ છે.
આ જીત પાછળ તાકાચીનો ‘ઇમોશનલ કાર્ડ’ માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે જો જનતા તેમને સ્પષ્ટ બહુમતી નહીં આપે તો તેઓ તરત જ રાજીનામું આપી દેશે. આ જાહેરાતે જાપાની મતદારો પર ઊંડી અસર કરી અને લોકોએ લાઈનો લગાવીને LDP ના પક્ષમાં મતદાન કર્યું. વિપક્ષી દળો, જેઓ અત્યાર સુધી માત્ર 68 બેઠકો પર સમેટાઈ ગયા છે, તેઓ તાકાચીની આ ભાવનાત્મક અપીલનો કોઈ તોડ શોધી શક્યા નહીં. વ્યક્તિગત રીતે લોકપ્રિય એવા 64 વર્ષીય તાકાચીએ અચાનક ચૂંટણી જાહેર કરીને જે જોખમ લીધું હતું, તે હવે જાપાનના ઈતિહાસની સૌથી મોટી જીતમાં ફેરવાઈ ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સના તાકાચીને આ જીત બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ભારત-જાપાનની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી છે. હવે તાકાચી સામે સૌથી મોટો પડકાર ચીન છે. તેઓ જાપાનની લશ્કરી તાકાત વધારવા અને અમેરિકા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જાણીતા છે. ચીન સાથેના વધતા તણાવ વચ્ચે, તાકાચીની આ જીત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલી શકે છે. જાપાનના યુવાનોમાં લોકપ્રિય એવા તાકાચી હવે અર્થતંત્ર અને રક્ષણ ક્ષેત્રે મોટા સુધારા કરવા માટે સજ્જ છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
