<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મહિલાએ ભૂલથી ૧૨ લાખ રૂપિયાનું સોનું કચરામાં નાખી દીધું

ત્રણ દિવસ પછી કચરામાં જતું રહેલું સોનું પાછું મળ્‍યું

દુબઈ, તા.૯: લગભગ ૨૩ વર્ષ દુબઈમાં રહ્યા પછી ભારતીય મૂળનાં મહિલા કામિની કાનન ૨૦૨૧માં ભારત શિફ્‌ટ થઈ ગયાં હતાં. જોકે લગ્ન-સંગમાં હાજરી આપવા માટે તેઓ તાજેતરમાં દુબઈ ગયાં હતાં. હાલમાં સોનાના ભાવમાં ચડાવઉતાર થઈ રહ્યા છે ત્‍યારે તેઓ દુબઈમાં દીકરાના ઘરમાં રાખેલા સોનાનો હિસાબ કરવા બેઠા હતા. તેમણે જે પાઉચમાં ગોલ્‍ડ કૉઇન્‍સ રાખેલા એ જૂનું થઈ ગયું હતું એટલે તેમણે એ પાઉચ ફેંકી દીધું અને નવા પાઉચમાં ભરીને મૂકયું. જોકે એ પાઉચ ડાઇનિંગ ટેબલ પર જ રહી ગયું. બીજા દિવસે સફાઈ દરમ્‍યાન ભૂલથી એ આખું પાઉચ કચરામાં જતું રહ્યું. જ્‍યારે યાદ આવ્‍યું ત્‍યારે મોડું થઈ ગયેલું અને કચરો ઘરની બહારથી પણ ઊપડી ગયેલો. એ પાઉચમાં ૫૦ ગ્રામનો ૨૪ કૅરૅટનો અને ૨૨ કૅરૅટનો ૮ ગ્રામ સોનાનો કૉઇન હતો. કચરામાં પાઉચ જતું રહ્યું એ પછી એ પાછું નહીં જ મળી શકે એમ વિચારીને તેમણે પોલીસમાં ફરિયાદ પણ નહોતી લખાવી.

જોકે ઘટનાના ત્રણ દિવસ પછી કામિનીબહેનના દીકરા અભિમન્‍યુને પોલીસનો ફોન આવ્‍યો અને કહ્યું કે તમારો કોઈ સામાન ખોવાયો છે? પોલીસને આ કૉઇન્‍સ જ્‍વેલરી શૉપમાંથી મળ્‍યા હતા. કોઈ સફાઈ કામદાર એ વેચવા ઝવેરીને ત્‍યાં પહોંચ્‍યો હતો અને તેને જ્‍યારે આ કૉઇન કયાંથી મળ્‍યા એનો સ્રોત પૂછવામાં આવ્‍યો ત્‍યારે તેણે એ કચરામાંથી મળ્‍યાનું કહ્યું હતું. જ્‍વેલરે પોલીસને બોલાવીને એ કૉઇન સોંપ્‍યા હતા અને પોલીસે કયા સ્‍થળેથી મળેલા કચરામાં આ સોનું હતું એ ટ્રેસ કરીને અભિમન્‍યુને ફોન કર્યો હતો. ત્રણ દિવસ પછી કચરામાં જતું રહેલું સોનું પાછું મળ્‍યું હતું

(3:34 PM IST)