<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

70 ના દાયકાની એક નાની ભૂલ બની શકે છે વિલન: અમેરિકાના વિઝા મેળવવા હવે સી-સ્યુટ એક્ઝિક્યુટિવ્સ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું!

ટ્રમ્પ વહીવટીતંત્રની કડક 'કેચ-એન્ડ-રિવોક' નીતિને કારણે દાયકાઓ જૂના પોલીસ રેકોર્ડ ધરાવતા બિઝનેસ લીડર્સના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે.

 
લંડન, તા. 9: જો તમે એમ માનતા હોવ કે 50 વર્ષ પહેલાં કોલેજ કાળમાં કરેલી કોઈ નાની મસ્તી કે પોલીસની સામાન્ય ચેતવણી (Caution) સમય જતાં ભૂલાઈ ગઈ હશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. લંડનમાં આવેલી યુએસ એમ્બેસી હાલમાં એક એવો કડક અભિગમ અપનાવી રહી છે જેણે વિશ્વભરના બિઝનેસ ટાયકૂન્સ અને ટેક લીડર્સની ઊંઘ હરામ કરી દીધી છે. 1970 ના દાયકામાં થયેલી ગાંજાના ઉપયોગની એક નાની ઘટના અથવા બારમાં થયેલી સામાન્ય લડાઈ પણ આજે તમારા અમેરિકા જવાના સપના પર પાણી ફેરવી શકે છે.
જૂના ગુના, નવી સજા
અહેવાલ મુજબ, અમેરિકી દૂતાવાસ હવે ઐતિહાસિક પોલીસ રેકોર્ડ્સને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે કિસ્સાઓમાં કોઈ સજા ન થઈ હોય અથવા માત્ર ધરપકડ થઈ હોય, તેવા અરજદારોને પણ વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વરિષ્ઠ અધિકારીઓ, જેઓ વ્યવસાયિક હેતુ માટે યુએસ જવા માંગે છે, તેઓ આ નવી નીતિનો શિકાર બની રહ્યા છે.
નિયમ 214(b): અધિકારીઓનું અમોઘ શસ્ત્ર
ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે એમ્બેસી 'નિયમ 214(b)'નો વ્યાપક ઉપયોગ કરી રહી છે. આ નિયમ હેઠળ વિઝા અધિકારી પાસે એ સત્તા છે કે જો અરજદાર પોતાની યોગ્યતા સાબિત ન કરી શકે, તો તેનું કારણ જણાવ્યા વગર જ વિઝા નકારી શકાય. વકીલોના મતે, ગયા ઉનાળામાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા જાહેર કરાયેલી "કેચ-એન્ડ-રિવોક" નીતિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત બાદ આ વલણ અચાનક બદલાયું છે.
"અમે હવે એવા ગ્રાહકોને સ્પષ્ટ ના પાડી રહ્યા છીએ જેમનો ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ રહ્યો હોય. પહેલા જે ફાઈલો સરળતાથી ક્લિયર થઈ જતી હતી, તે હવે સીધી રિજેક્ટ થઈ રહી છે." - એક જાણીતા ઇમિગ્રેશન વકીલ.
ભારતીયો માટે કેમ ચિંતાનો વિષય?
ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોના નાગરિકો માટે આ સ્થિતિ વધુ જટિલ છે કારણ કે તેઓ 'ESTA' (વિઝા મુક્ત પ્રવેશ) માટે પાત્ર નથી. તેમણે ફરજિયાતપણે વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કોઈ ભારતીય વ્યાપારીનો ભૂતકાળમાં ડ્રગ્સ કે દારૂ પીને વાહન ચલાવવા જેવો કોઈ નાનો રેકોર્ડ પણ હશે, તો લંડન કે અન્ય કોઈ પણ એમ્બેસી દ્વારા વિઝા મળવાની શક્યતા હવે નહિવત છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે આ બાબતે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી સાથે કોઈ સમજૂતી કરશે નહીં. જે મુલાકાતીઓ અમેરિકાના કાયદાનું સન્માન નથી કરતા, તેમના માટે હવે યુએસના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે.

(4:56 PM IST)