News of Monday, 9th February 2026
હજ ૨૦૨૬ માટે સાઉદી સરકાર એક્શન મોડમાં: વિઝા પ્રક્રિયાનો પ્રારંભ, ૧૮ એપ્રિલથી પવિત્ર મક્કા-મદીનામાં યાત્રાળુઓનું આગમન શરૂ થશે!
સાઉદી અરેબિયાએ વહેલી તૈયારીઓના ભાગરૂપે ૮ ફેબ્રુઆરીથી વિઝા આપવાનું શરૂ કર્યું; અત્યાર સુધીમાં ૭.૫૦ લાખથી વધુ મુસાફરોએ નોંધણી કરાવી

મક્કા, તા. 9: વિશ્વભરના મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે વર્ષ ૨૦૨૬ (૧૪૪૭ હિજરી) ની હજ સીઝન માટે સત્તાવાર રીતે વિઝા જારી કરવાની પ્રક્રિયા ૮ ફેબ્રુઆરીથી શરૂ કરી દીધી છે. આ વખતે સાઉદી સરકારે યાત્રાળુઓની સુવિધા અને આયોજનને વધુ સુદ્રઢ બનાવવા માટે રેકોર્ડ સમય પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સમયરેખા મુજબ સચોટ આયોજન
મંત્રાલયના જણાવ્યા અનુસાર, હજ યાત્રાને સરળ બનાવવા માટેનું આયોજન જૂન ૨૦૨૫થી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ૮ ફેબ્રુઆરીથી વિઝા આપવાનું શરૂ થયા બાદ હવે માર્ચ સુધીમાં તમામ વિઝા પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. અંદાજ મુજબ, યાત્રાળુઓનું પ્રથમ જૂથ ૧૮ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સાઉદી અરેબિયા પહોંચશે, જે આ પવિત્ર યાત્રાના અંતિમ તબક્કાની શરૂઆત ગણાશે.
ડિજિટલ પ્લેટફોર્મ 'નુસ્ક' નો જાદુ
આ વખતે સાઉદી સરકારે પારદર્શિતા અને ઝડપ વધારવા માટે 'નુસ્ક મસાર' ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કર્યો છે. શ્રદ્ધાળુઓ આ પ્લેટફોર્મ દ્વારા મક્કા અને મદીનામાં રહેઠાણ, પવિત્ર સ્થળોએ પરિવહન અને અન્ય સેવાઓ માટેના કરારો ઓનલાઇન પૂર્ણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં:
• લગભગ ૭,૫૦,૦૦૦ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે.
• ૩૦,૦૦૦ લોકોએ તેમના દેશમાંથી સીધા જ પેકેજ બુક કરાવ્યા છે.
• આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓ માટે પવિત્ર સ્થળોએ ૪૮૫ કેમ્પ ફાળવવામાં આવ્યા છે.
સુવિધાઓમાં વધારો અને કડક અમલીકરણ
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યાત્રાળુઓની ગરિમાપૂર્ણ અને સુરક્ષિત યાત્રા માટે રહેઠાણ અને ખાદ્ય સામગ્રીના કરારો જાન્યુઆરીમાં જ પૂર્ણ કરી લેવાયા છે. હજ બાબતોની કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ જાહેર કરાયેલા ઓપરેશનલ કેલેન્ડરનું ચુસ્તપણે પાલન કરે, જેથી છેલ્લી ઘડીએ કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં.
ઈલેક્ટ્રોનિક વોલેટ્સ અને નુસ્ક પ્લેટફોર્મના ઉપયોગને કારણે બુકિંગ સંબંધિત છેતરપિંડી કે સમસ્યાઓમાં પણ મોટો ઘટાડો થવાની અપેક્ષા છે. સાઉદી સરકારનું લક્ષ્ય ૨૦૨૬ની હજ સીઝનને અત્યાર સુધીની સૌથી વધુ સુવિધાજનક અને ટેકનોલોજી-સજ્જ યાત્રા બનાવવાનું છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
