હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

કાનપુર, તા. 9: ઔદ્યોગિક નગરી કાનપુરના VIP રોડ પર રવિવારે બપોરે એક ભયાનક અકસ્માતે સનસનાટી મચાવી દીધી હતી. એક પૂરઝડપે આવતી લક્ઝરી લેમ્બોર્ગિની કારે રાહદારીઓ, ઓટો-રિક્ષા અને પાર્ક કરેલા વાહનોને એવી જોરદાર ટક્કર મારી કે એક બાઈક સવાર તો ૧૦ ફૂટ હવામાં ફંગોળાયો હતો. આ અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમાકુના 'ટાયકૂન'ના પુત્રનું નામ આવ્યું સામે
શરૂઆતમાં પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી હતી, પરંતુ તપાસ આગળ વધતા ખૂલાસો થયો છે કે આ કાર જાણીતા તમાકુ ઉદ્યોગપતિ કેકે મિશ્રાના નામે નોંધાયેલી છે અને અકસ્માત સમયે તેમનો પુત્ર શિવમ મિશ્રા સ્ટીયરિંગ પર હતો. શિવમ તેની ભવ્ય જીવનશૈલી અને મોંઘી કારો માટે જાણીતો છે.
ફિલ્મી સ્ટાઈલમાં ભાગવાનો પ્રયાસ
ઘટનાસ્થળના વીડિયોમાં જોવા મળ્યું છે કે અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો એકઠા થયા, ત્યારે શિવમ મિશ્રાએ તેની પાછળ બીજી કારમાં આવી રહેલા ખાનગી બાઉન્સર્સની મદદથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે દાવો કર્યો છે કે કાર ચલાવતી વખતે શિવમ પર હુમલો થયો હતો અને તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પાસે હજુ સુધી તે કઈ હોસ્પિટલમાં છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી.
અકસ્માતનો ભયાનક મંજર
ગ્વાલટોલી વિસ્તારના રેવ-3 મોલ પાસે થયેલા આ અકસ્માતમાં લેમ્બોર્ગિની પહેલા ઓટો સાથે અથડાઈ અને પછી એક રોયલ એનફિલ્ડ બાઈકને ટક્કર મારી હતી. બાઈક સવાર તૌફિકને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે અને તે અત્યારે સારવાર હેઠળ છે. લેમ્બોર્ગિનીની સ્પીડ એટલી વધારે હતી કે તે ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈને થોભી હતી.
પોલીસની ભૂમિકા પર સવાલો
અકસ્માતને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ હોવા છતાં, પોલીસે હજુ સુધી કોઈ ધરપકડ કે અટકાયત કરી નથી. પોલીસે માત્ર એટલું જ જણાવ્યું છે કે તપાસના તારણો બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM