<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ભારત-કેનેડા દોસ્તીમાં 'નવો અધ્યાય': નિજ્જર વિવાદને ભૂલી બંને દેશો સુરક્ષા મુદ્દે એક થયા, પીએમ માર્ક કાર્ની આવતા મહિને ભારતની મુલાકાતે!

રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રાઈમ કંટ્રોલ માટે સંયુક્ત કાર્ય યોજના તૈયાર; સુરક્ષા એજન્સીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપવા નવી દિલ્હી અને ઓટાવામાં નિમાશે લાયઝન ઓફિસર્સ

નવી દિલ્હી, તા. 9: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો રાજદ્વારી ખટરાગ હવે અંત તરફ હોય તેવું જણાઈ રહ્યું છે. ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને સર્જાયેલા ગંભીર વિવાદને પાછળ છોડીને બંને દેશો હવે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા અમલીકરણમાં સહયોગ વધારવા સંમત થયા છે. આવતા મહિને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની નવી દિલ્હીની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
NSAs વચ્ચે ઓટાવામાં ગુપ્ત મંત્રણા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને કેનેડાના NSA નથાલી ડ્રોઈન વચ્ચે તાજેતરમાં ઓટાવામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોના નાગરિકોની સુરક્ષા માટે એક 'કોમન એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, બંને દેશો પોતપોતાની રાજધાનીમાં સુરક્ષા અને કાયદા અમલીકરણ સંપર્ક અધિકારીઓ (Liaison Officers) ની નિમણૂક કરશે, જેથી માહિતીની આપ-લે ઝડપથી થઈ શકે.
ડ્રગ્સ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર ત્રાટકશે બંને દેશો
આ નવા સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આતંકવાદ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી અને ડ્રગ્સના ગેરકાયદેસર પ્રવાહને રોકવાનો છે. ખાસ કરીને 'ફેન્ટાનાઇલ' જેવા ખતરનાક ડ્રગ્સ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બંને દેશોની એજન્સીઓ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત, ઈમિગ્રેશન છેતરપિંડી રોકવા માટે પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે.
ટ્રુડો પછી કાર્નીના શાસનમાં 'રિસેટ' થયા સંબંધો
જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન નિજ્જર હત્યાકાંડના આરોપોને કારણે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને સંબંધો ઇતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા હતા. જોકે, માર્ક કાર્નીએ સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદી સાથેની મુલાકાતોમાં સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે. બંને દેશોએ પહેલેથી જ નવા હાઈ કમિશનરોની નિમણૂક કરી દીધી છે.
યુરેનિયમ અને AI પર થશે મોટા કરારો
આવતા મહિને જ્યારે માર્ક કાર્ની ભારત આવશે, ત્યારે કેનેડાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા અંગેના કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ ઉપરાંત, ઊર્જા, ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં પણ ભારત-કેનેડા વચ્ચે મહત્વની ભાગીદારી થવાની અપેક્ષા છે.

(5:09 PM IST)