News of Monday, 9th February 2026
કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: રેપ પીડિતાના પિતાની હત્યાના કેસમાં જામીન આપવાનો ઈનકાર, હાઈકોર્ટને ૩ મહિનામાં આખરી ફેંસલો લેવા આદેશ
‘૯ વર્ષથી જેલમાં છું’ તેવી સેંગરની દલીલ કોર્ટે ફગાવી; દિલ્હી હાઈકોર્ટને સજા વિરુદ્ધની અરજી પર તાત્કાલિક સુનાવણી પૂર્ણ કરવા સર્વોચ્ચ અદાલતની કડક સૂચના

ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ચર્ચિત ઉન્નાવ રેપ કેસ અને પીડિતાના પિતાની કસ્ટડીમાં મોતના મામલે દોષિત જાહેર થયેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે સેંગરની જામીન અરજી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે, હાલના તબક્કે તેને મુક્ત કરી શકાય નહીં. આ સાથે જ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે સેંગરની સજા વિરુદ્ધની અરજી પર આગામી ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેવામાં આવે.
સેંગરની દલીલ અને કોર્ટનું વલણ
કુલદીપ સિંહ સેંગર તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તે છેલ્લા ૯ વર્ષ અને ૭ મહિનાથી જેલમાં સજા કાપી રહ્યો છે, તેથી માનવતાના ધોરણે તેને જામીન આપવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આ ગુનાની ગંભીરતાને જોતા જામીન આપવાનો સાફ ઈનકાર કર્યો હતો. પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં થયેલી કરપીણ હત્યાના કેસમાં સેંગરને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવેલી છે.
હાઈકોર્ટને ૩ મહિનાનું અલ્ટીમેટમ
જસ્ટિસની બેન્ચે દિલ્હી હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે આ કેસ લાંબા સમયથી લંબિત છે, તેથી તેની અરજી પર ઝડપથી સુનાવણી કરવામાં આવે. સેંગરે નીચલી અદાલતે ફટકારેલી ૧૦ વર્ષની સજાને હાઈકોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટને ૩ મહિનાની સમયમર્યાદા આપી છે જેથી આ કેસનો તાર્કિક અંત આવી શકે.
ઉન્નાવ કાંડની પૃષ્ઠભૂમિ
ઉન્નાવ કાંડ ભારતના સૌથી ચર્ચિત અપરાધિક કિસ્સાઓમાંથી એક છે, જેમાં સત્તાના નશામાં એક યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પિતાની પોલીસ કસ્ટડીમાં નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. કુલદીપ સિંહ સેંગર આ આખા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર સાબિત થયો હતો. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી પીડિતાના પરિવારને ન્યાયની આશા ફરી જીવંત થઈ છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
