News of Monday, 9th February 2026
સંસદમાં ભારે હંગામો: રાહુલ ગાંધીનો સ્પીકર પર ગંભીર દાવો, કિરેન રિજિજૂએ કર્યો પલટવાર, બજેટ સત્રના ત્રીજા અઠવાડિયે પણ મડાગાંઠ યથાવત
‘સ્પીકરે મને વચન આપ્યું હતું’ – રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં ગરમાવો; વિપક્ષ દ્વારા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

નવી દિલ્હી: સંસદના ચાલુ બજેટ સત્રમાં સોમવારે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારે હંગામો જોવા મળ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે બજેટ પર ચર્ચા શરૂ થાય તે પહેલા જ ગૃહમાં ગતિરોધ ઉભો થયો અને પીઠાસીન અધ્યક્ષે દરમિયાનગીરી કરવી પડી હતી.
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, સ્પીકર ઓમ બિરલાએ તેમને વચન આપ્યું હતું કે બજેટ પર સત્તાવાર ચર્ચા શરૂ થાય તે પહેલા તેમને બોલવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી જે કહી રહ્યા છે તે સંપૂર્ણ સત્ય નથી. રિજિજૂએ આક્ષેપ કર્યો કે વિપક્ષ ગૃહની કાર્યવાહીમાં જાણીજોઈને અવરોધ ઉભો કરી રહ્યો છે.
ગૃહમાં ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે વિપક્ષ હવે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ગંભીરતાથી તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે તેમને ગૃહમાં પૂરતો સમય અને તક આપવામાં આવતી નથી. બીજી તરફ, પ્રિયંકા ગાંધી સહિત ૬ મહિલા સાંસદોએ પણ સ્પીકરને પત્ર લખીને વિપક્ષી મહિલા સાંસદો સાથે થતા વ્યવહાર અંગે નારાજગી વ્યક્ત કરી છે.
બજેટ સત્રનું આ ત્રીજુ સપ્તાહ છે, છતાં હજુ સુધી બજેટના મુખ્ય અંશો પર ચર્ચા થઈ શકી નથી. વિપક્ષ દેવા, બેરોજગારી અને ઇમિગ્રેશન જેવા મુદ્દે સરકારને ઘેરવા માંગે છે, જ્યારે સરકાર નિયમ મુજબ બજેટ ચર્ચા આગળ વધારવા પર ભાર મૂકી રહી છે. આ ગતિરોધને કારણે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે અને દેશના મહત્વના આર્થિક મુદ્દાઓ પર ચર્ચા અટકી પડી છે. હવે જોવાનું એ રહેશે કે શું રાહુલ ગાંધી અને સરકાર વચ્ચે કોઈ સમજૂતી થાય છે કે પછી આ અઠવાડિયું પણ હંગામાની ભેટ ચડી જશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
