News of Monday, 9th February 2026
“જેલમાં નાખવો હોય તો નાખી દો, પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નહીં છોડું!”: ઓવૈસીની FIR પર સીએમ હિમંતા બિસ્વા શર્માનો વળતો પ્રહાર
વિવાદાસ્પદ ‘નો મર્સી’ વીડિયો મુદ્દે હૈદરાબાદમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું; હિમંતાએ કહ્યું- “હું મારા શબ્દો પર અડગ છું, ધરપકડથી ડરતો નથી”

ગુવાહાટી: ભારતના રાજકારણમાં ‘બાંગ્લાદેશી ઘૂસણખોરી’ અને ‘હિંદુત્વ’ના મુદ્દે સૌથી આક્રમક ગણાતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અસદુદ્દીન ઓવૈસીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. હૈદરાબાદમાં ઓવૈસી દ્વારા નોંધાવવામાં આવેલી FIR પર પ્રતિક્રિયા આપતા સીએમ હિમંતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે, પરંતુ ઘૂસણખોરો વિરુદ્ધની તેમની લડાઈ ચાલુ રહેશે.
આ વિવાદની શરૂઆત આસામ ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરાયેલા એક એનિમેટેડ વીડિયોથી થઈ હતી. આ વીડિયોમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને રાઈફલ લઈને દિવાલ પર લટકતા ફોટાઓ પર નિશાન સાધતા બતાવવામાં આવ્યા હતા. આ ફોટાઓમાં દેખાતી વ્યક્તિઓની ઓળખ લઘુમતી સમુદાય (ટોપી અને દાઢી) જેવી હતી અને બેકગ્રાઉન્ડમાં ‘નો મર્સી’ (કોઈ દયા નહીં) જેવા શબ્દો લખેલા હતા. ઓવૈસીએ આ વીડિયોને હિંસા ભડકાવનારો ગણાવી પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોતાની સામે થયેલી કાયદાકીય કાર્યવાહી પર હિમંતા બિસ્વા શર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "મને કોઈ વીડિયો વિશે ખબર નથી, પણ જો ફરિયાદ થઈ હોય તો ભલે થઈ. મારી ધરપકડ કરવી હોય તો કરી લો, મને કોઈ વાંધો નથી. પરંતુ હું ફરી કહું છું કે હું બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિરુદ્ધ છું અને હંમેશા રહીશ. આસામને ઘૂસણખોરોથી મુક્ત બનાવવો એ મારો સંકલ્પ છે."
બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આડેહાથ લીધા હતા. તેમણે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, "એક તરફ પીએમ મોદી દુનિયાભરમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’ની વાતો કરે છે અને બીજી તરફ તેમની જ પાર્ટીના મુખ્યમંત્રી ખુલ્લેઆમ મુસ્લિમોને નિશાન બનાવી ‘નો મર્સી’ના વીડિયો બનાવી રહ્યા છે. શું આ લોકશાહી છે?"
હાલમાં આસામ ભાજપે વિવાદ વધતા વીડિયો ડીલીટ કરી દીધો છે, પરંતુ હૈદરાબાદ પોલીસ આ મામલે શું એક્શન લે છે તેના પર દેશભરની નજર છે. હિમંતાના આ ‘ફીયરલેસ’ અંદાજે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે, જ્યારે વિપક્ષ તેને નફરત ફેલાવવાની રાજનીતિ ગણાવી રહ્યો છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
