News of Monday, 9th February 2026
બિહાર વિધાન પરિષદમાં હંગામો: રાબડી દેવી પર નીતિશ કુમારનો પિત્તો ગયો, પૂર્વ મહિલા CM ને 'છોકરી' કહીને સંબોધતા ગૃહમાં ભારે ગરમાવો
“આ લોકોએ કંઈ કામ કર્યું નથી, માત્ર હોબાળો કરે છે!” – રાજીનામાની માંગથી ઉશ્કેરાયેલા નીતિશ કુમાર લાલઘૂમ; લાલૂ યાદવ અને રાબડી દેવીના શાસનકાળ પર કર્યા આકરા પ્રહાર

પટના: બિહારના રાજકારણમાં ‘સુશાસન બાબુ’ તરીકે ઓળખાતા નીતિશ કુમારનો આજે એક અલગ જ અવતાર વિધાન પરિષદમાં જોવા મળ્યો હતો. બજેટ સત્ર દરમિયાન વિપક્ષના સતત હંગામા અને રાજીનામાની માંગણીથી કંટાળેલા મુખ્યમંત્રી નીતિશ કુમારનો સંયમ ખૂટી ગયો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સામે આંગળી ચીંધીને અત્યંત ગુસ્સામાં પ્રહારો કર્યા હતા, જેના કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઈ હતી.
“આ ‘છોકરી’ એ શું કામ કર્યું છે?”
જ્યારે રાબડી દેવી અને RJD ના મહિલા વિધાન પાર્ષદો નીતિશ કુમારના રાજીનામાના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે નીતિશ કુમારે ઉભા થઈને વળતો હુમલો કર્યો હતો. તેમણે રાબડી દેવી તરફ ઈશારો કરતા કહ્યું, "આ જે 'છોકરી' છે... તેમને (લાલૂ યાદવને) જ્યારે પદ છોડવું પડ્યું ત્યારે થોડા દિવસો પછી તેમને મુખ્યમંત્રી બનાવી દીધા. શું આ લોકોએ બિહાર માટે કોઈ કામ કર્યું છે? શું તેમણે ક્યારેય કોઈ મહિલાને આગળ વધારી છે?"
ભૂતકાળની યાદ અપાવી નીતિશે કાઢી ભડાસ
નીતિશ કુમારે લાલૂ-રાબડી શાસન પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ બિહારને પાછળ ધકેલવાનું કામ કર્યું છે. તેમણે અધ્યક્ષ સમક્ષ એવી પણ રજૂઆત કરી કે જે લોકો ગૃહની કાર્યવાહીમાં અડચણ ઉભી કરે છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નીતિશ કુમારે દાવો કર્યો કે તેમની સરકારે મહિલાઓના ઉત્થાન માટે જેટલું કામ કર્યું છે તેટલું અગાઉ ક્યારેય થયું નથી.
વિપક્ષનો વળતો આક્ષેપ
બીજી તરફ, રાબડી દેવીએ નીતિશ કુમારના સંબોધન સામે વાંધો ઉઠાવ્યો હતો. RJD ના નેતાઓનું કહેવું છે કે એક વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માટે 'છોકરી' જેવા શબ્દો વાપરવા એ નીતિશ કુમારની હતાશા દર્શાવે છે. અધ્યક્ષે વારંવાર શાંતિ જાળવવા અપીલ કરી હોવા છતાં, બંને પક્ષો વચ્ચેની આ શાબ્દિક જંગને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
બિહારના રાજકારણમાં નીતિશ અને લાલૂ પરિવાર વચ્ચેના આ જૂના સંબંધો હવે ફરી એકવાર ‘કડવાશ’ ના નવા સ્તરે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
