હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વયુદ્ધના ભણકારા? ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી સૈન્યએ ઈરાનને ચારેબાજુથી ઘેર્યું, અરબી સમુદ્રમાં પરમાણુ શક્તિ ધરાવતા યુદ્ધ જહાજોનો જમાવડો
110 થી વધુ સી-17 ટ્રાન્સપોર્ટ વિમાનો અને 'USS અબ્રાહમ લિંકન' કાફલાની તૈનાતીથી તેહરાનમાં ફફડાટ; ટ્રમ્પની સ્પષ્ટ ચેતવણી- "પરમાણુ કાર્યક્રમ બંધ કરો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો"

વોશિંગ્ટન: વિશ્વ અત્યારે વધુ એક મોટા યુદ્ધની અણી પર આવીને ઊભું હોય તેવું લાગી રહ્યું છે. ઓમાન સાથેની મહત્વપૂર્ણ મંત્રણા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આકરો અભિગમ અપનાવતા અમેરિકી લશ્કરી ગતિવિધિઓ તેજ કરી દીધી છે. અમેરિકાએ ઈરાનની સરહદ નજીક પોતાની સૈન્ય હાજરીમાં એટલો મોટો વધારો કર્યો છે કે વિશ્લેષકો તેને સીધા હુમલાની પૂર્વ તૈયારી તરીકે જોઈ રહ્યા છે.
સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતા એક્સપર્ટ્સના મતે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના ૧૧૦ થી વધુ વિશાળકાય C-17 પરિવહન વિમાનોએ આ ક્ષેત્રમાં ઉતરાણ કર્યું છે. આટલી મોટી સંખ્યામાં વિમાનોની અવરજવર સામાન્ય કવાયત નથી, પરંતુ મોટા પાયે સૈનિકો અને હથિયારોના સ્થળાંતરનો સંકેત છે. વધુમાં, અરબી સમુદ્રમાં અમેરિકાનું પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘USS અબ્રાહમ લિંકન’ પોતાના કાફલા સાથે તૈનાત થઈ ગયું છે, જે દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંનું એક છે.
“અમે ડરવાના નથી”: બીજી તરફ, અમેરિકાના આ દબાવ સામે ઈરાને પણ નમતું જોખવાનો ઇનકાર કર્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સિંહગર્જના કરતા કહ્યું છે કે, "અમેરિકાનું આ સૈન્ય નિર્માણ અમને ડરાવી શકશે નહીં." તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતાના યુરેનિયમ સંવર્ધનના અધિકારને છોડશે નહીં. તેહરાને ચેતવણી આપી છે કે જો તેમના પર યુદ્ધ લાદવામાં આવશે, તો તેઓ જડબાતોડ જવાબ આપવા સજ્જ છે.
આ તણાવ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ બુધવારે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ બેઠક ઈરાન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે ઈઝરાયેલ લાંબા સમયથી ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાની હિમાયત કરી રહ્યું છે. જો ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે કોઈ સંયુક્ત સૈન્ય યોજના પર સહમતિ બને છે, તો મધ્ય પૂર્વમાં ભીષણ જંગ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. વિશ્વભરના રાજદ્વારીઓ અત્યારે શ્વાસ અધ્ધર કરીને બેઠા છે કે આ ગતિરોધ વાટાઘાટો તરફ જશે કે પછી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતનું નિમિત્ત બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
