News of Monday, 9th February 2026
પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાયું: "ભારત-અફઘાનિસ્તાન દુશ્મન બન્યા અને ચીન-ઈરાન પણ નારાજ : " મૌલાનાનો સરકાર પર બળાપો
શાહબાઝ સરકારની અફઘાન નીતિ ફ્લોપ હોવાનો દાવો : મૌલાના ફઝલુરે કહ્યું- "બોર્ડર પરથી ફળ આવતા બંધ થયા પણ આતંકવાદીઓ હજુય આવે છે : " વિદેશ નીતિ સેનાના ઈશારે ચાલતી હોવાનો લગાવ્યો ગંભીર આરોપ

રાવલપિંડી: પાકિસ્તાનના રાજકારણમાં 'પાવર ગેમ'ના માસ્ટર ગણાતા જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (F) ના વડા મૌલાના ફઝલુર રહેમાને શાહબાઝ શરીફ સરકારની વિદેશ નીતિના ચીંથરેચીંથરા ઉડાવ્યા છે. રાવલપિંડીની એક જંગી સભામાં ગર્જતા મૌલાનાએ સ્વીકાર્યું કે પાકિસ્તાન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, કેવી રીતે એક દેશ ટકી શકે જેનો પડોશીઓ સાથેનો સંબંધ આટલો ખરાબ હોય? તેમના મતે, ભારત અને અફઘાનિસ્તાન તો પાકિસ્તાનના કટ્ટર વિરોધી બની જ ગયા છે, પરંતુ હવે પાકિસ્તાનના કહેવાતા 'સદાબહાર મિત્ર' ચીન અને પાડોશી ઈરાન પણ ઈસ્લામાબાદની હરકતોથી અત્યંત ગુસ્સે છે.
મૌલાનાએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર કટાક્ષ કરતા કહ્યું કે, સરહદ પર એવી હાલત છે કે અફઘાનિસ્તાનથી એક તરબૂચ કે દાડમ પણ પાકિસ્તાનમાં પ્રવેશી શકતું નથી, પરંતુ આશ્ચર્યની વાત છે કે હથિયારો સાથે સજ્જ આતંકવાદીઓ આરામથી સરહદ ઓળંગી રહ્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે જો આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી આવી રહ્યા છે, તો સરકાર અને સુરક્ષા એજન્સીઓ તેમને રોકવામાં કેમ નિષ્ફળ રહી છે? વેપાર ઠપ થઈ ગયો છે અને ગરીબ જનતા ભૂખે મરી રહી છે, ત્યારે સરકાર માત્ર વાહિયાત નિવેદનો આપવામાં વ્યસ્ત છે, જેનાથી દેશમાં અસુરક્ષા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે.
સૌથી વિસ્ફોટક આરોપ લગાવતા મૌલાનાએ કહ્યું કે પાકિસ્તાનની વિદેશ નીતિ કોઈ ચૂંટાયેલી નાગરિક સરકાર નહીં, પરંતુ રાવલપિંડીમાં બેઠેલા લશ્કરી જનરલો નક્કી કરે છે. તેમણે કટાક્ષ કર્યો કે, "એક જનરલ આવે છે અને કહે છે કે આપણે વાટાઘાટો કરવી છે, બીજો આવે છે અને યુદ્ધનું રણશિંગું ફૂંકે છે." આ અસ્થિરતા અને સેનાના હસ્તક્ષેપને કારણે જ પાકિસ્તાન આજે દુનિયામાં હાંસિયામાં ધકેલાઈ ગયું છે. મૌલાનાનું આ નિવેદન પાકિસ્તાની સંસ્થાઓ વચ્ચેના આંતરિક વિખવાદને જગજાહેર કરે છે અને સૂચવે છે કે પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ રાજદ્વારી તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
