News of Monday, 9th February 2026
પીએમ કેર્સ પર સંસદમાં 'નો એન્ટ્રી': પીએમઓનો કડક આદેશ: હવે ભંડોળના ખર્ચ પર સાંસદો પૂછી શકશે નહીં સવાલ
લોકસભા સચિવાલયને પીએમઓ દ્વારા મોકલાયેલ પત્રમાં નિયમોનો હવાલો આપી સ્પષ્ટતા : પીએમ કેર્સ, પીએમ રિલીફ અને ડિફેન્સ ફંડ સરકારી બજેટનો હિસ્સો ન હોવાથી તેને સંસદીય ચર્ચામાંથી બહાર રખાયા : પારદર્શિતાના નામે વિપક્ષનો હોબાળો

નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે ફરી એકવાર નવો વિવાદ છેડાયો છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ લોકસભા સચિવાલયને અત્યંત મહત્વનો સંદેશ મોકલીને સ્પષ્ટ કરી દીધું છે કે પીએમ કેર્સ (PM CARES), પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) અને રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળ (NDF) ના ખર્ચ કે કામગીરી અંગે સંસદમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં. પીએમઓનો તર્ક છે કે આ ભંડોળ ભારત સરકારના સંચિત ભંડોળ (Consolidated Fund) માંથી નહીં, પરંતુ લોકોના સ્વૈચ્છિક દાનથી ચાલે છે, તેથી તેને સરકારનો વહીવટી વિષય ગણી શકાય નહીં. આ નિર્ણય બાદ સંસદના આગામી સત્રોમાં વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પીએમઓએ લોકસભાના નિયમ 41(2)(viii) અને (xvii) ને ટાંકીને જણાવ્યું છે કે જે બાબતો મુખ્યત્વે ભારત સરકારની ચિંતાનો વિષય ન હોય, તેને સવાલ તરીકે સ્વીકારી શકાય નહીં. પીએમ કેર્સ ફંડ, જે કોરોના મહામારી દરમિયાન ૨૭ માર્ચ ૨૦૨૦ ના રોજ સ્થાપવામાં આવ્યું હતું, તે એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં પણ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ કોઈ કાયદા કે બંધારણ હેઠળ બનેલું નથી, તેથી તે RTI (માહિતી અધિકાર) ના દાયરામાં આવતું નથી. નોંધનીય છે કે માર્ચ ૨૦૨૩ ના અંત સુધીમાં આ ફંડમાં ₹૬,૨૮૩.૭ કરોડથી વધુની રકમ જમા હતી, જે હવે સંસદીય ઓડિટ અને પ્રશ્નોત્તરીથી પર બની ગઈ છે.
આ નિર્ણયથી લોકશાહીમાં 'ચેક્સ એન્ડ બેલેન્સ' પર સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે જાહેર ક્ષેત્રના એકમો (PSUs) એ કરોડો રૂપિયાનું સીએસઆર (CSR) ફંડ આમાં આપ્યું છે અને સરકારી કર્મચારીઓએ પણ પગારમાંથી ફાળો આપ્યો છે, ત્યારે તેનો હિસાબ જનતાને મળવો જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે ૨૦૨૦ માં જ કહી દીધું હતું કે પીએમ કેર્સ એક અલગ ટ્રસ્ટ હોવાથી તેનું ઓડિટ કેગ (CAG) દ્વારા કરવું અનિવાર્ય નથી. હવે જ્યારે શૂન્ય કલાક કે વિશેષ ઉલ્લેખ હેઠળ પણ આ વિષય લાવી શકાશે નહીં, ત્યારે આ ત્રણેય ભંડોળનું સંચાલન સંપૂર્ણપણે સરકારની ગુપ્તતા અને ટ્રસ્ટના નિયમોને આધીન રહેશે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
