<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ક્રિકેટના મેદાનમાં 'સર્જિકલ સ્ટ્રાઈક'નો ડર: ભારત સામે રમવા મુદ્દે પાકિસ્તાન સરકારમાં ફફડાટ : નકવીની બેવડી ભૂમિકા બની ફાંસો

૧૫ ફેબ્રુઆરીની ટક્કર પૂર્વે ઇસ્લામાબાદમાં રાજકીય લકવો; ICC એ વળતર આપવાની ના પાડતા PCB ની હાલત 'સૂડી વચ્ચે સોપારી' જેવી થઈ : શાહબાઝ સરકાર લોટ-દાળના ભાવથી જનતાનું ધ્યાન ભટકાવવા ક્રિકેટને હથિયાર બનાવશે?

ઇસ્લામાબાદ: ૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર રમાનારી ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ હવે માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી રહી, પરંતુ પાકિસ્તાન માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. ઇસ્લામાબાદના સત્તાના ગલિયારાઓમાં અત્યારે ગજબનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શાહબાઝ શરીફની સરકાર એટલી ડરેલી છે કે આ મેચ રમવી કે નહીં તેનો નિર્ણય લેવા માટે હવે ફેડરલ કેબિનેટનો સહારો લેવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન માટે સ્થિતિ 'આગળ ખાઈ અને પાછળ કૂવો' જેવી છે; જો તેઓ ભારત સામે રમે અને હારે તો જનતાનો રોષ ફાટી નીકળશે, અને જો બહિષ્કાર કરે તો ICC ના તોતિંગ દંડ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પાકિસ્તાન ક્રિકેટનું પાટિયું ફેરવી નાખશે.

આ આખા વિવાદના કેન્દ્રમાં મોહસીન નકવી છે, જેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી હોવાની સાથે PCB ના અધ્યક્ષ પણ છે. નકવીનો આ 'ડબલ રોલ' હવે સરકાર માટે સૌથી મોટો માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. ગૃહમંત્રી તરીકે તેઓ સુરક્ષાના બહાના કાઢી રહ્યા છે, જ્યારે PCB ચીફ તરીકે તેમને ખબર છે કે ભારત વિના તેમનું બોર્ડ કંગાળ થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PCB દ્વારા ICC પાસે જે આર્થિક વળતર અને યજમાન પદની માંગણીઓ કરવામાં આવી રહી છે, તે આત્મવિશ્વાસ નહીં પણ પાકિસ્તાનની આર્થિક કંગાળિયતની નિશાની છે. હિતોના આ સંઘર્ષમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નિર્ણય લેવાની ક્ષમતા જાણે શૂન્ય થઈ ગઈ છે.

પાકિસ્તાનમાં જ્યારે મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે, ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારત સામેનો બહિષ્કાર એક 'સસ્તું રાષ્ટ્રવાદ'નું હથિયાર બની ગયું છે. ICC ના અધિકારીઓ જ્યારે લાહોર પહોંચ્યા ત્યારે પાકિસ્તાને બાંગ્લાદેશના વળતર જેવી વિચિત્ર માંગણીઓ કરી, જેને ICC એ સ્પષ્ટપણે ઠુકરાવી દીધી છે. હવે જો પાકિસ્તાન છેલ્લી ઘડીએ પીછેહઠ કરે છે, તો તેની પાસે કાનૂની લડાઈ લડવાના પણ પૈસા નથી. શાસનમાં નિષ્ફળ ગયેલા શાહબાઝ શરીફને ડર છે કે ક્રિકેટના મેદાનમાં મળનારી હાર તેમની સરકારના પતનનું છેલ્લું કારણ ન બની જાય. ૧૫ ફેબ્રુઆરીનો આ જંગ હવે માત્ર સ્ટેડિયમમાં નહીં, પણ પાકિસ્તાનની કેબિનેટમાં રમાઈ રહ્યો છે.

(9:41 PM IST)