<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રૂ.૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN ફરજિયાત થશે

આવકવેરાના નવા નિયમોના મુસદ્દા ઘડાયાઃ રોકડ વ્‍યવહાર, વાહન ખરીદી અને અન્‍યો માટે પાન દર્શાવવા માટેની મર્યાદા વધારવાની દરખાસ્‍ત : મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં જો કિંમત રૂ.૫ લાખથી વધુ હોય તો જ PAN આપવું પડશેઃ હાલમાં, બેંકમાં એક દિવસમાં રૂ.૫૦,૦૦૦થી વધુની રોકડ જમા કરવા માટે PAN જરૂરી છે

નવી દિલ્‍હી,તા.૧૦: આવકવેરાના ડ્રાફટ નિયમોમાં બેંકોમાં રોકડ જમા/ઉપાડ, મોટર વાહનો અને મિલકતની ખરીદી, તથા હોટલના બિલની ચુકવણી માટે PAN (પાન કાર્ડ) દર્શાવવા માટેની વ્‍યવહાર મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્‍ત કરવામાં આવી છે. આ નવા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે. એક નાણાકીય વર્ષમાં એક વ્‍યક્‍તિના એક અથવા વધુ ખાતાઓમાં કુલ રૂ.રૂ. ૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે. હાલમાં, બેંકમાં એક દિવસમાં રૂ.૫૦,૦૦૦થી વધુની રોકડ જમા કરવા માટે PAN જરૂરી છે.

આ ડ્રાફટ નિયમો ઇનકમ ટેક્‍સ એક્‍ટ,ને લાગુ કરવા માટે તૈયાર કરવામાં આવ્‍યા છે, જે ૧૯૬૨ના જૂના નિયમોનું સ્‍થાન લેશે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં તેને નોટિફાય કરવામાં આવશે. ડ્રાફટમાં એમ્‍પ્‍લોયર્સ (નિયોક્‍તા) દ્વારા આપવામાં આવતી સવલતોના મૂલ્‍યમાં વધારો કરવાની અને ક્રિપ્‍ટો એક્‍સચેન્‍જો માટે ટેક્‍સ વિભાગ સાથે માહિતી શેર કરવાનું ફરજિયાત બનાવવાની દરખાસ્‍ત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેન્‍ટ્રલ બેંક ડિજિટલ કરન્‍સી (CBDC) ને ઇલેક્‍ટ્રોનિક પેમેન્‍ટના માન્‍ય મોડ તરીકે સામેલ કરવામાં આવી છે. હાઉસ રેન્‍ટ એલાઉન્‍સ (HRA)ના દાવા માટે ડ્રાફટ નિયમોમાં કેટેગરી-૧ મેટ્રો શહેરોની યાદી વિસ્‍તૃત કરવામાં આવી છે, જેમાં હવે બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ યાદીમાં દિલ્‍હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ પહેલેથી જ સામેલ છે.  મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં જો કિંમત રૂ. ૫ લાખથી વધુ હોય તો જ PAN આપવું પડશે.

અત્‍યાર સુધી ટુ-વ્‍હીલર માટે PAN જરૂરી નહોતું, જ્‍યારે અન્‍ય વાહનો માટે કિમત ગમે તે હોય PAN ફરજિયાત હતું. જો હોટલ/રેસ્‍ટોરન્‍ટ, બેન્‍ક્‍વેટ હોલ અથવા ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું બિલ રૂ.૧ લાખથી વધુ હશે તો જ PAN આપવું પડશે. હાલમાં આ મર્યાદા રૂ.૫૦,૦૦૦ છે.  ઇન્‍શ્‍યોરન્‍સ કંપની સાથે ખાતા આધારિત સંબંધ શરૂ કરવા માટે PAN ફરજિયાત બનશે. હાઉસ રેન્‍ટ એલાઉન્‍સ (HRA)ના હેતુ માટે કેટેગરી-૧ મેટ્રો શહેરોની યાદીમાં દિલ્‍હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈની સાથે હવે અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ડ્રાફટ ઇનકમ ટેક્‍સ રૂલ્‍સ, ૨૦૨૬ ના મુખ્‍ય અંશો

નિયમોની સંખ્‍યા ૫૧૧ થી ઘટાડીને ૩૩૩ કરવામાં આવી. ફોર્મ્‍સની સંખ્‍યા ૩૯૯ થી ઘટાડીને ૧૯૦ કરવામાં આવી.

સરળ અને સ્‍માર્ટ પ્રી-ફિલ્‍ડ (પહેલેથી ભરેલા) ફોર્મ્‍સ પર ભાર.

ક્રિપ્‍ટો એક્‍સચેન્‍જો માટે ટેક્‍સ વિભાગ સાથે માહિતી શેર કરવી ફરજિયાત બનશે.

પ્રોપર્ટીની ખરીદી, વેચાણ અથવા ગિફટના કિસ્‍સામાં PAN માટેની મર્યાદા ~૧૦ લાખથી વધારીને ~ ૨૦ લાખ કરવી.

(11:43 AM IST)