તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
રહેમરાહે અપાતી નિમણૂક હક નહીં, અપવાદ છે
કેન્દ્રીય માહિતી આયોગે નિમણૂક પ્રક્રિયામાં પારદર્શકતાની ખામીઓ સામે ચેતવણી આપી

નવી દિલ્હી,તા.૧૦: કેન્દ્રીય માહિતી આયોગે (CIC) કહ્યું હતું કે સરકારના વિવિધ વિભાગોમાં રહેમરાહે અપાતી નિમણૂકની પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવે છે તેમાં પારદર્શકતાનો અભાવ અને વહીવટી ખામીઓ રહેલી છે. આયોગે ચેતવણી આપી હતી કે અસ્પષ્ટ નિર્ણય પ્રક્રિયા અને સ્પષ્ટ નીતિઓના અભાવે દેશભરમાં વિવાદો, કેસબાજી અને RTI અરજીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
જાહેર વહીવટ પર વ્યાપક અસર ઉભી કરતા એક આદેશમાં આયોગે લખનઉ સ્થિત સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગને રહેમરાહે નિમણૂકના એક કેસમાં સ્ક્રિનિગ કમિટીના રેકોર્ડ જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. આયોગે ભારપૂર્વક જણાવ્યું કે આવી પ્રક્રિયામાં ગુપ્તતા જાળવવી જવાબદારીને નબળી અને દંભી બનાવે છે. માહિતિ આયોગના કમિશનર વિનોદ કુમાર તિવારીએ જણાવ્યું કે એક વખત કોઈ વિભાગ સ્વીકારે છે કે કેસનું વિભાગીય સ્ક્રિનિગ કમિટી (DSC) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, તો તે સંબંધિત તમામ રેકોર્ડ RTI અધિનિયમના દાયરામાં આવે છે. આયોગે કહ્યું, ‘‘જ્યારે સ્વીકાર થાય છે કે અરજદારનો કેસ વિભાગીય સ્ક્રિનિગ કમિટી દ્વારા વિચારવામાં આવ્યો છે, ત્યારે બેઠકના મિનિટ્સ અને માર્કિગ સિસ્ટમના આધારે તૈયાર કરાયેલી મેરીટ-લિસ્ટ સહિતના તમામ દસ્તાવેજો RTI અધિનિયમની કલમ ૨(એફ) હેઠળ ‘માહિતી' ગણાય છે.'' CICએ સ્પષ્ટ કર્યું કે માત્ર અસ્પષ્ટ જવાબો આપીને વિભાગો પારદર્શકતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ‘‘અરજદારને નમણૂંક માટે લાયક ઠરાવાયો, અને ભલામણ ન કરવામાં આવી હોવાનું માત્ર કહેવું, સંબંધિત રેકોર્ડ, વિશેષ કરીને ખાસ કરીને મેરીટ-લિસ્ટ જાહેર કર્યા વિના, RTI અધિનિયમ હેઠળની પારદર્શકતાની ભાવનાને પૂર્ણ કરતું નથી,'' એમ આયોગે ઉમેર્યું. આયોગે નોંધ્યું કે સામાન્ય ભરતી પ્રક્રિયામાં અપવાદરૂપે આપવામાં આવતી દયા આધારિત નિમણૂકો હવે સ્પષ્ટ માપદંડોના અભાવ, અસંગત મૂલ્યાંકન અને રેકોર્ડ જાહેર ન કરવાને કારણે વિવાદનું કારણ બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
