લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા વિપક્ષનું આક્રમક વલણ : પક્ષપાતી વલણ અને સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં અવિશ્વાસની દરખાસ્તની નોટિસ અપાઈ
રાહુલ ગાંધીને બોલતા રોકવા અને ૮ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે INDI ગઠબંધનના ૧૦૦ સાંસદોની સહી સાથે સચિવાલયમાં નોટિસ જમા : મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય : જોકે TMC આ પ્રક્રિયાથી અલિપ્ત રહી

નવી દિલ્હી, તા. 10 : સંસદના ગૃઢમાં ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે વિપક્ષી દળોએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટેના ઠરાવની નોટિસ સચિવાલયમાં સુપરત કરી છે. વિપક્ષે સ્પીકર પર ગૃહની કાર્યવાહી દરમિયાન સતત પક્ષપાત કરવાનો અને સંસદીય પરંપરાઓને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મુખ્ય વિવાદના કારણો
વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને બોલવાની મનાઈ કરવામાં આવી હતી. ૨ ફેબ્રુઆરીથી જ્યારે રાહુલ ગાંધીને બોલવા દેવામાં ન આવ્યા ત્યારથી લોકસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. આ ઉપરાંત આઠ વિપક્ષી સાંસદોના સસ્પેન્શન અને ગૃહની મહિલા સભ્યો પ્રત્યે કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીઓને લઈને પણ વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયા ગઠબંધનની રણનીતિ
કોંગ્રેસના સાંસદ અને ચીફ વ્હિપ કે. સુરેશે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિતના અનેક વિપક્ષી દળો વતી લોકસભા સચિવાલયમાં આ નોટિસ સુપરત કરી હતી. આ નોટિસ પર ઈન્ડિયા બ્લોકના ૧૦૦ જેટલા સાંસદોની સહીઓ છે. આ પ્રસ્તાવને કોંગ્રેસ, એસપી, ડીએમકે, ડાબેરી પક્ષો, આરજેડી, શિવસેના (UBT) અને એનસીપી (SP) નું સમર્થન હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદોએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી અને તેઓ આ પ્રક્રિયામાં જોડાયા નથી.
ખડગેના નિવાસ્થાને લેવાયો નિર્ણય
આ નોટિસ આપવાનો નિર્ણય સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી મહત્વની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંસદની તાજેતરની ગતિવિધિઓની સમીક્ષા કરવામાં આવી હતી અને વિપક્ષે સ્પીકરના વલણને શાસક પક્ષના પક્ષમાં હોવાનો દાવો કર્યો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારે સત્તાધારી પક્ષના સભ્યોને લંબાણપૂર્વક બોલવાની છૂટ અપાય છે, ત્યારે વિરોધ પક્ષના નેતાને જવાબ આપવાની તક પણ નકારીને સ્થાપિત ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
