હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોકશાહીના મંદિરમાં ‘મર્યાદા' નેવે મુકાઈઃ રિજિજુએ શેર કર્યો સંસદનો હંગામેદાર વીડિયો
સ્પીકરને પત્ર લખીને કડક સજાની કરી માંગ : વડાપ્રધાનની બેઠક સુધી પહોંચેલી વિપક્ષી મહિલા સાંસદોના વર્તનને કિરેન રિજિજુએ ગણાવ્યું ‘અત્યંત અભદ્ર': ભાજપની મહિલા સાંસદો લાલચોળ

નવી દિલ્હી, તા.૧૦: ભારતીય સંસદના ઈતિહાસમાં ૪ ફેબ્રુઆરીનો દિવસ ભારે હંગામાનો સાક્ષી બન્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો પ્રતિસાદ આપવા તૈયાર હતા, ત્યારે જ કોંગ્રેસની મહિલા સાંસદોએ તમામ મર્યાદાઓ ઓળંગીને હોબાળો મચાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા ગંભીર આક્ષેપ કર્યો છે કે જો ભાજપના સાંસદોએ મધ્યસ્થી ન કરી હોત અને સંયમ ન જાળવ્યો હોત, તો સંસદમાં અત્યંત શરમજનક દ્રશ્યો સર્જાયા હોત. વિપક્ષી સાંસદો પ્લેકાર્ડ અને બેનરો સાથે સીધા વડાપ્રધાનની બેઠક પાસે પહોંચી ગયા હતા, જેને સત્તાધારી પક્ષે લોકશાહીના ગૌરવ પર હુમલો ગણાવ્યો છે.
આ વિવાદની જડ ભાજપના એક સાંસદ દ્વારા પૂર્વ વડાપ્રધાનો વિશે કરવામાં આવેલી ટિપ્પણીમાં હોવાનું મનાય છે. કોંગ્રેસના સાંસદો જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના અપમાનના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ આ વિરોધ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે મહિલા સાંસદો ગળહના વેલમાં ઉતરી આવી અને કાગળો ફાડીને વડાપ્રધાનના ઘેરાવનો પ્રયાસ કર્યો. કિરેન રિજિજુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને તેના સાંસદોના આવા અસંસ્કારી વર્તન પર ગર્વ છે, જે ખરેખર દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસદની પવિત્રતા જાળવવી એ દરેક પ્રતિનિધિની જવાબદારી છે, જેમાં વિપક્ષ નિષ્ફળ રહ્યો છે.
ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે ભાજપની મહિલા સાંસદોએ એક થઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લેખિત ફરિયાદ કરી છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે વડાપ્રધાનની ગરિમાને ઠેસ પહોંચાડનારા અને ગળહમાં અરાજકતા ફેલાવનારા સાંસદો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ, વિપક્ષ આને લોકશાહી બચાવવા માટેનો અવાજ ગણાવી રહ્યો છે. સંસદમાં સર્જાયેલી આ ખેંચતાણ હવે રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે, અને આવનારા દિવસોમાં સ્પીકર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
