News of Tuesday, 10th February 2026
એપલના સીઈઓ ટિમ કૂક મેદાનમાં: "તમારા પરિવારથી અલગ નહીં થવા દઉં", ઇમિગ્રેશન નીતિથી ચિંતિત કર્મચારીઓને આપ્યું રક્ષણનું વચન
અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ સામે ટિમ કૂકે બગાવત કરી; DACA હેઠળના સેંકડો કર્મચારીઓને અંગત રીતે સમર્થન આપવાની અને સરકાર સામે લોબિંગ કરવાની ખાતરી આપી

રાજકોટ : અમેરિકામાં હાલમાં ચાલી રહેલી કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે ટેક જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) ના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચિંતાઓ વચ્ચે કંપનીના સીઈઓ ટિમ કૂકે મૌન તોડ્યું છે અને કર્મચારીઓ સાથેની એક ભાવુક બેઠકમાં તેમને સંપૂર્ણ સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. કૂકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ વર્તમાન પરિસ્થિતિથી "ખૂબ જ વ્યથિત" છે અને કોઈ પણ કર્મચારીએ પોતાના ઘરમાં અસુરક્ષિત અનુભવવાની જરૂર નથી.
કર્મચારીઓ સાથેની સર્વાંગી બેઠક દરમિયાન ટિમ કૂકે સ્વીકાર્યું હતું કે ઘણા કર્મચારીઓ વિઝા અને દેશનિકાલના ડરથી પોતાના ઘર છોડતા પણ ડરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "એપલની સફળતાનો પાયો જ વિશ્વભરમાંથી આવતી શ્રેષ્ઠ પ્રતિભા પર ટકેલો છે. અમે એટલે જ નવીન કંપની બની શક્યા છીએ કારણ કે અમે દુનિયાના દરેક ખૂણામાંથી તેજસ્વી લોકોને આકર્ષ્યા છે." તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ ગંભીર મુદ્દે કાયદા ઘડનારાઓ અને સરકાર સાથે સતત સંપર્કમાં રહીને લોબિંગ ચાલુ રાખશે.
સૌથી વધુ સંવેદનશીલ ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે એક કર્મચારીએ દેશનિકાલ થવાના અને પોતાની પુત્રીથી અલગ થવાના ડર વિશે વાત કરી. તેના જવાબમાં કૂકે ખાસ કરીને DACA (Deferred Action for Childhood Arrivals) પ્રોગ્રામ હેઠળ આવતા કર્મચારીઓને સંબોધતા કહ્યું, "જો તમે DACA હેઠળ છો, તો હું તમને પ્રેમ કરું છું અને હું વ્યક્તિગત રીતે તમારા માટે હિમાયત કરીશ." એપલમાં સેંકડો DACA કામદારો છે જેમને કૂકે વ્યક્તિગત સમર્થન આપવાનું વચન આપ્યું છે.
ટિમ કૂકે માનવીય ગૌરવ અને આદર પર ભાર મૂકતા ઉમેર્યું કે, વ્યક્તિ ગમે ત્યાંથી આવતી હોય, તે સન્માનજનક વર્તન માટે હકદાર છે. અગાઉ મિનિયાપોલિસમાં બનેલી હિંસક ઘટનાઓ પર પણ તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને તણાવ ઓછો કરવા માટે અપીલ કરી હતી. એપલના આ વલણથી અમેરિકામાં વસતા અન્ય વિદેશી કર્મચારીઓમાં પણ આશાનું કિરણ જાગ્યું છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
