News of Tuesday, 10th February 2026
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો: દેશભરમાં ૨૯,૦૦૦થી વધુ જાહેર EV ચાર્જિંગ સ્ટેશન કાર્યરત, સરકાર ખર્ચશે રૂ. ૨,૦૦૦ કરોડ
ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રીનિવાસ વર્માએ લોકસભામાં આપી મહત્વની વિગતો; PM E-DRIVE અને FAME-II યોજના હેઠળ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માસ્ટરપ્લાન તૈયાર

નવી દિલ્હી : ભારતમાં પ્રદૂષણ મુક્ત પરિવહન તરફની ગતિ તેજ બની રહી છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં માહિતી આપી હતી કે દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશકારો માટે અત્યાર સુધીમાં ૨૯,૦૦૦થી વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ઈલેક્ટ્રિક વાહનોના માર્ગમાં આવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અવરોધોને દૂર કરવાનું છે.
સરકારે EV નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. મંત્રીએ જણાવ્યું કે FAME-II યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૯૧૨ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. એટલું જ નહીં, નવી PM E-DRIVE યોજના હેઠળ ચાર્જિંગ પોઈન્ટ્સની સંખ્યા વધારવા માટે સરકારે રૂ. ૨,૦૦૦ કરોડના તોતિંગ બજેટની જોગવાઈ કરી છે, જેથી લોકો હવે કોઈ પણ ભય વગર લાંબી મુસાફરી પર પણ ઈલેક્ટ્રિક વાહન લઈને નીકળી શકે.
સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
EV માલિકોને ચાર્જિંગ સ્ટેશન શોધવા કે ચાર્જિંગ પ્રક્રિયામાં તકલીફ ન પડે તે માટે મંત્રાલયે ગયા વર્ષે જ સ્પષ્ટ ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માળખું દેશના દરેક ખૂણે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સને ઝડપથી અમલમાં લાવવામાં મદદ કરશે. ખાસ કરીને હાઈવે અને મોટા શહેરોમાં વ્યૂહાત્મક સ્થળોએ ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવા પર સરકારનું વિશેષ ધ્યાન છે.
આમ, ૨૯,૦૦૦ના આંકડાને સ્પર્શ્યા બાદ હવે આગામી વર્ષોમાં ભારત ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે વિશ્વના ટોચના દેશોની હરોળમાં આવવા સજ્જ બન્યું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
