News of Tuesday, 10th February 2026
દિલ્હીના બવાનામાં લોહિયાળ ખેલ: બિશ્નોઈ ગેંગે વેપારીનો પીછો કરી સરેઆમ ગોળીઓથી વીંધી નાખ્યો, સોશિયલ મીડિયા પર લીધી હત્યાની જવાબદારી
વેપારી વૈભવ ગાંધીના મોતથી રાજધાનીમાં સનસનાટી; રણદીપ મલિક અને અનિલ પંડિતની ટોળકીએ આપી ધમકી - "અમારા કામમાં દખલ કરનારનું આવા જ હાલ થશે"

નવી દિલ્હી, તા.૧૦: દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. દિલ્હીના બવાના વિસ્તારમાં સોમવારે સાંજે ધોળા દિવસે એક પ્રતિષ્ઠિત વેપારીની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે. બદમાશોએ ઉદ્યોગપતિ વૈભવ ગાંધીનો રસ્તા પર ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને જેવો મોકો મળ્યો કે તરત જ તેમના પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે જોઈને કોઈ પણનું કાળજું ધ્રૂજી ઉઠે તેમ છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ગોળી વાગતા જ વેપારી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ વૈભવને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ દિલ્હીમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન?
આ હત્યાકાંડ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેણે પોલીસના પણ હોશ ઉડાવી દીધા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રણદીપ મલિક અને અનિલ પંડિતે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈભવ ગાંધીની હત્યા તેમના ઈશારે જ કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમણે ખુલ્લેઆમ ધમકી પણ આપી છે કે જો કોઈ તેમના કામમાં આડો આવશે, તો તેની હાલત પણ આવી જ કરવામાં આવશે.
પોલીસ તપાસ તેજ
દિલ્હી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓ કેટલા સાચા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજ અને લોકલ ઇન્ટેલિજન્સની મદદથી હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. દિલ્હીમાં થયેલી આ સનસનાટીભરી હત્યાને કારણે વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
