<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજપાલ યાદવની વ્હારે આવ્યા લાલુના લાલ: જેલની હવા ખાઈ રહેલા કોમેડિયનના પરિવાર માટે તેજ પ્રતાપે ખોલી તિજોરી, 11 લાખની કરી મોટી જાહેરાત

ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે રાજપાલ યાદવ; તેજ પ્રતાપે જેજેડી પરિવાર વતી મદદનો હાથ લંબાવતા કહ્યું - "આ મુશ્કેલ સમયમાં અમે પરિવારની સાથે છીએ"

પટના : પોતાની અનોખી કોમેડીથી કરોડો દિલો પર રાજ કરનાર બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ અત્યારે જિંદગીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જૂના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે રાહત ન આપતા આખરે 5 ફેબ્રુઆરીએ તેમણે દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કરવું પડ્યું હતું. જ્યારે ફિલ્મ જગત આ મામલે મૌન સેવી રહ્યું છે, ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે રાજકીય અને માનવીય સંવેદના બતાવીને બધાને ચોંકાવી દીધા છે.
તેજ પ્રતાપ યાદવે તેમના સંગઠન 'જન શક્તિ જનતા દળ' (JJD) તરફથી રાજપાલ યાદવના પરિવારને રૂ. 11,00,000 (અગિયાર લાખ) ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા તેજ પ્રતાપે લખ્યું કે, "જ્યારે મને રાજપાલ યાદવના પરિવારની આર્થિક સ્થિતિ અને તેમની દુર્દશા વિશે જાણવા મળ્યું, ત્યારે મને ઘણું દુઃખ થયું. એક કલાકાર જેણે આપણને હસાવ્યા છે, આજે તેમનો પરિવાર મુશ્કેલીમાં હોય ત્યારે તેમની પડખે ઊભા રહેવું એ આપણી ફરજ છે."
શું છે આખો વિવાદ?
આ વિવાદ વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'આતા પતા લપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી અંદાજે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કમનસીબે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી અને રાજપાલ યાદવ દેવામાં ડૂબી ગયા. આ લોન ચૂકવવા માટે તેમણે જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. લાંબી કાનૂની લડાઈ બાદ નિર્ધારિત સમયમાં રકમ ન ચૂકવી શકતા કોર્ટે તેમને જેલની સજા ફટકારી છે.
તેજ પ્રતાપનું નવું રૂપ
રાજકીય વર્તુળોમાં તેજ પ્રતાપ યાદવના આ પગલાની ખૂબ ચર્ચા થઈ રહી છે. મદદની જાહેરાત સાથે તેમણે રાવ ઇન્દ્રજીત યાદવની પોસ્ટનો ઉલ્લેખ કર્યો અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જેજેડી પરિવાર તરફથી આપવામાં આવેલી આ સહાયથી રાજપાલ યાદવના પરિવારને કાનૂની લડાઈ અને ઘરના ખર્ચમાં મોટી રાહત મળશે તેવું માનવામાં આવે છે.

(4:43 PM IST)