ડીપફેક પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક: હવે સોશિયલ મીડિયા પર ફેક વીડિયો દેખાયા તો ૩ કલાકમાં જ થશે સફાયો!
ભારત સરકારના નવા આઈટી નિયમો ૨૦ ફેબ્રુઆરીથી અમલી: એઆઈ-જનરેટેડ સામગ્રી પર ૧૦% લેબલ ફરજિયાત અને પ્લેટફોર્મ્સ માટે કડક ડેડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હી : આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેટલું આશીર્વાદરૂપ છે, એટલું જ તે ગેરમાર્ગે દોરનારા ડીપફેક વીડિયોને કારણે જોખમી બની રહ્યું છે. આ જોખમને નાથવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ, જો કોઈ વાંધાજનક એઆઈ-જનરેટેડ વીડિયો કે ડીપફેક કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરવામાં આવશે, તો પ્લેટફોર્મ્સ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X) એ તેને માત્ર ૩ કલાકની અંદર દૂર કરવો પડશે. આ પગલું ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા અને ખાસ કરીને સેલિબ્રિટીઝ તેમજ સામાન્ય નાગરિકોની છબી ખરાબ થતી અટકાવવા માટે લેવામાં આવ્યું છે.
નવા સુધારા મુજબ, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬થી કોઈપણ એઆઈ-જનરેટેડ સામગ્રી માટે 'વોટરમાર્ક' અથવા 'લેબલ' લગાવવું ફરજિયાત બનશે. વિઝ્યુઅલ કન્ટેન્ટ એટલે કે વીડિયો કે ફોટામાં સ્ક્રીનના ઓછામાં ઓછા ૧૦ ટકા ભાગ પર સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે આ સામગ્રી એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. આ જ રીતે, ઓડિયો ક્લિપમાં પણ શરૂઆતની ૧૦ ટકા સેકન્ડમાં ડિસ્ક્લેમર આપવું પડશે. સરકારના આ આદેશનો હેતુ એ છે કે સામાન્ય વપરાશકર્તા તરત જ સમજી શકે કે તે જે જોઈ કે સાંભળી રહ્યો છે તે વાસ્તવિક ઘટના છે કે કોઈ સોફ્ટવેરની કરામત.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ અને એઆઈ ટૂલ્સ બનાવતી કંપનીઓ બંનેને લાગુ પડશે. પ્લેટફોર્મ્સે હવે દર ત્રણ મહિને વપરાશકર્તાઓને એઆઈના દુરુપયોગ અંગે ચેતવણી આપવી પડશે. જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા નિર્ધારિત સમય મર્યાદામાં નકલી સામગ્રી દૂર કરવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સામાન્ય એડિટિંગ, કલર કરેક્શન કે અનુવાદ માટેના ટૂલ્સને આ કડક લેબલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી સર્જનાત્મકતા પર કોઈ અવરોધ ન આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
