<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ભારત બનશે ફાઇટર જેટ એન્જિનનો 'નવો રાજા': પીએમ મોદી અને મેક્રોન વચ્ચે રચાશે ડિફેન્સનો સૌથી શક્તિશાળી ઈતિહાસ!

૧૭ ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ મેક્રોનનો ભારત પ્રવાસ: ૧૧૦ કિલોન્યુટન એન્જિનના 'ટેકનોલોજી ટ્રાન્સફર' સાથે ભારતની સૈન્ય તાકાત આસમાને પહોંચશે : ૨૬ રાફેલ-એમ માટે મેગા ડીલ ફાઈનલ

નવી દિલ્હી:  ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા હવે માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે એક એવી સંરક્ષણ ભાગીદારીમાં ફેરવાઈ રહી છે જે એશિયાનું સૈન્ય સંતુલન બદલી નાખશે. ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેમનું મુખ્ય લક્ષ્ય ભારતને ફાઇટર જેટ એન્જિન ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું છે. આ મુલાકાત દરમિયાન ફ્રેન્ચ કંપની સફ્રાન (Safran) અને ભારત વચ્ચે ૧૧૦-કિલોન્યુટન શક્તિશાળી એન્જિનના સંયુક્ત વિકાસ માટે મોટો સોદો થશે. આ સોદો ભારતને અમેરિકા અને રશિયા પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવશે અને ભારતના સ્વદેશી ફાઇટર જેટ 'AMCA' ને વિશ્વનું સૌથી ઘાતક વિમાન બનાવશે.

સંરક્ષણ ક્ષેત્રે આ મુલાકાતનો બીજો સૌથી મોટો ધમાકો 'રાફેલ-એમ' (Rafale-M) હશે. ભારતીય નૌકાદળના આઇએનએસ વિક્રાંત (INS Vikrant) માટે ૨૬ રાફેલ-એમ ફાઇટર જેટના સોદાને આ મુલાકાતમાં આખરી ઓપ આપવામાં આવશે. આ વિમાનો દરિયાઈ યુદ્ધમાં ચીનની વધતી જતી દાદાગીરીનો સામનો કરવા માટે ભારતનું અજેય હથિયાર સાબિત થશે. પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતા આ વિમાનો જ્યારે હિંદ મહાસાગરમાં ગર્જના કરશે, ત્યારે ભારતની દરિયાઈ સીમાઓ લોખંડી કિલ્લા સમાન બની જશે. આ માત્ર એક ખરીદી નથી, પરંતુ "હોરાઇઝન ૨૦૪૭ રોડમેપ" હેઠળ ભારત અને ફ્રાન્સ વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

૧૮ અને ૧૯ ફેબ્રુઆરીના રોજ મુંબઈ અને દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમો ભવિષ્યની ટેકનોલોજી પર કેન્દ્રિત હશે. મુંબઈમાં 'MRO હબ' (Maintenance, Repair, and Overhaul) ની સ્થાપના સાથે ભારત સમગ્ર એશિયા માટે રાફેલ વિમાનોનું સર્વિસ સેન્ટર બની જશે, જેનાથી હજારો નોકરીઓ અને કરોડોનું વિદેશી હૂંડિયામણ આવશે. તો બીજી તરફ, દિલ્હીમાં યોજાનારી 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પીએમ મોદી અને મેક્રોન ભવિષ્યના 'સ્માર્ટ શસ્ત્રો' પર ચર્ચા કરશે, જ્યાં ભારતીય સોફ્ટવેર અને ફ્રેન્ચ એન્જિનિયરિંગ મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત યુદ્ધ વિમાનોની નવી પેઢી તૈયાર કરશે. આ મુલાકાત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને એક મહાસત્તા તરીકે સ્થાપિત કરવામાં માઈલસ્ટોન સાબિત થશે.

(8:26 PM IST)