<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ક્રિકેટના 'ભગવાન' પહોંચ્યા વડાપ્રધાનના દ્વારે: પુત્ર અર્જુનના લગ્નનું PM મોદીને આપ્યું ભાવભીનું આમંત્રણ; સચિને કહ્યું- "તમારા આશીર્વાદ અને સલાહ અમારા માટે અમૂલ્ય"

૫ માર્ચે અર્જુન તેંડુલકર અને ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક પ્રભુતામાં પગલાં પાડશે; ૩ માર્ચથી લગ્નની શરણાઈઓ ગુંજશે - જાણો કોણ છે તેંડુલકર પરિવારની થનારી પુત્રવધૂ સાનિયા

મુંબઈ : ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરે ટૂંક સમયમાં જ શરણાઈઓ ગુંજવાની છે. સચિનના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકર આગામી ૫ માર્ચ, ૨૦૨૬ના રોજ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવા માટે સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે પીએમ આવાસ પહોંચ્યા હતા.
સચિને સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શેર કરતા વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, "અમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અર્જુન અને સાનિયાના લગ્નમાં આમંત્રણ આપતા ગૌરવ અનુભવાય છે. યુવાન જોડી માટે તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ બદલ ખૂબ ખૂબ આભાર, મોદીજી."
કોણ છે સચિનની થનારી પુત્રવધૂ સાનિયા ચંડોક?
અર્જુન તેંડુલકર જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે તે સાનિયા ચંડોક મુંબઈના પ્રતિષ્ઠિત અને ધનિક પરિવારમાંથી આવે છે. સાનિયા જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. ઘાઈ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે, જેઓ 'ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ' અને જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ 'બ્રુકલિન ક્રીમરી' ના માલિક છે. સાનિયા પોતે પણ એક સફળ બિઝનેસવુમન છે અને પેટ કેર ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
લગ્નની વિગતો અને આયોજન
અર્જુન અને સાનિયાની સગાઈ ગયા વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. હવે મળતી માહિતી મુજબ, લગ્નની ઉજવણી ૩ માર્ચથી શરૂ થશે. ૫ માર્ચે યોજાનાર મુખ્ય લગ્ન સમારોહ અત્યંત ખાનગી અને ભવ્ય હશે, જેમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
ક્રિકેટ કરિયરમાં નવો વળાંક
મેદાન પર અર્જુન તેંડુલકર માટે પણ આ વર્ષ મહત્વનું રહ્યું છે. ૨૬ વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન હાલમાં ગોવા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આઈપીએલ (IPL 2026) ની હરાજી પહેલાં તેને મુંબઈ ઇન્ડિયન્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હવે તે મોહમ્મદ શમી જેવા દિગ્ગજ બોલર સાથે લખનૌની ટીમમાં બોલિંગ કરતો જોવા મળશે.

(10:41 PM IST)