<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ગોવાના બાગા બીચ પર વિદેશી મહિલા ટુરિસ્ટની સાથે છેડતી: બે પુરુષ પર્યટકોએ હેરાન કરી: મહિલાના ગળામાં હાથ નાખી કિસ કરવા પ્રયાસ કર્યો

તેલંગણાથી આવેલા બે પુરુષ પર્યટકોએ દારૂના નશામાં ચકચૂર થઈ મહિલા સાથે સેલ્ફી લેવા પ્રયાસ કર્યો : નનૈયો ભણ્યો ત્યારે બંને પર્યટકોએ એ મહિલાની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી

ગોવાના બાગા બીચ પર મહિલા ટુરિસ્ટની સાથે છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામેલ કેટલાક સ્થાનિક પર્યટકોએ વિદેશી મહિલાને કનડગત કરી હતી. જોકે બીચ માર્શલ અન એક લાઇફસેવરની સતર્કતાના કારણે સ્થિતિને ગંભીર થતા અટકાવી દેવામાં આવી. બીચ સેફ્ટી એજન્સી દૃષ્ટી મરીનના જણાવ્યા અનુસાર આ ઘટના ગત અઠવાડિયે બની હતી.

આ ઘટના સાથે સંકળાયેલા છેડતીબાજોને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યા હતા. બીચ એજન્સીએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયે ગોવા કોસ્ટલાઇન પર મહિલા ટુરિસ્ટની સાથે છેડતીના ચાર કિસ્સા સામે આવ્યા હતા. આ સિવાય એક મેડિકલ ઇમરજન્સી અને એક ગુમ થયાનો કેસ પણ નોંધાયો હતો. આ પ્રકારની ઘટનાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેલંગણાથી આવેલા બે પુરુષ પર્યટકોએ દારૂના નશામાં ચકચૂર થઈ એક વિદેશી મહિલાને હેરાન કરી હતી. મહિલાએ જ્યારે સેલ્ફી લેવાથી નનૈયો ભણ્યો ત્યારે બંને પર્યટકોએ એ મહિલાની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. આરોપ છે કે એમાંથી એકે મહિલાના ગળામાં હાથ નાખી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

માહિતી મળતા જ બીચ પર હાજર લાઇફસેવર્સે હસ્તક્ષેપ કર્યો હતો. બંને પર્યટકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દૃષ્ટિ મરીનના જણાવ્યા અનુસાર, હાલ ગોવાના પાંચ લોકપ્રિય બીચ, કલંગુટ, કૈંડોલિમ, કોલવા અને બેનૌલિમ પર આશરે 70 બીચ માર્શલ ખડેપગે ફરજ પર હાજર રાખવામાં આવ્યા છે. મહિલા પર્યટકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

સાઉથ ગોવાના કોલવા બીચ પર પણ એક ગંભીર કેસ સામે આવ્યો હતો. અહીં કર્ણાટકમાંથી આવેલા સાતથી આઠ પર્યટકોના એક સમૂહે રશિયન મહિલાની અનુમતિ વગર ફોટો અને વીડિયો બનાવતા હોવાનો આરોપ લાગ્યો હતો. લાઇફસેવર્સે તુરંત દખલ દેતા આરોપીઓને ગોવા પોલીસના હવાલે કરી દીધા હતા. રવિવારે રાત્રે પટનેમ બીચ પર પણ બિહારથી આવેલા પાંચ પર્યટકોએ એક કપલને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો.

લાઇફસેવર્સે પુણેના એક કપલને હેરાન કરતા જોયા હતા. આ કપલની પરવાનગી વગર વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. આ ઘટનામાં પણ બીચ સ્ટાફની સતર્કતાથી સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. જણાવી દઈએ કે ગોવાના તમામ બીચની સુરક્ષા માટે બીચ સેફ્ટી એજન્સી દૃષ્ટિ મરીનને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. જેના માર્શલ હંમેશાં બીચ પર રહે છે. 

(10:53 PM IST)