<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

નેતાની વાત કરવાની રીત પસંદ ન આવી તો ટ્રમ્‍પે ઝીંકી દીધો ૯% વધારાનો ટેરીફ

યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને તુંડ મિજાજી માનવામાં આવે છે, ફરી એક વાર તેમણે આ વાતનો પુરાવો આપ્‍યો

 

ન્‍યુયોર્ક, તા.૧૧:  યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને તુંડ  મિજાજી માનવામાં આવે છે, ફરી એક વાર તેમણે આ વાતનો પુરાવો આપ્‍યો છે. તાજેતરમાં ટ્રમ્‍પે સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ પર ટેરિફમાં નવ ટકાનો વધારા કર્યો હતો, આ નિર્ણય પાછળનું કારણ જણાવતા ટ્રમ્‍પે કહ્યું કે તેમને સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડનાં નેતાની વાત કરવાની રીત પસંદ પડી ન હતી.

યુએસની એક જાણીતી બિઝનેસ ચેનલ સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું કે તેમને સ્‍વીત્‍ઝરલૅન્‍ડના વડા પ્રધાને તેમને ટેરીફ ઘટાડવા વારંવાર રજુઆત કરી હતું અને તેમનું વલણ આક્રામક લાગ્‍યું હતું, એટલે તેમને સ્‍વીત્‍ઝરલૅન્‍ડ પરના ટેરીફમાં ૯ ટકાનો વધારો કર્યો.

ટ્રમ્‍પ સ્‍વીત્‍ઝરલૅન્‍ડની ફેડરલ કાઉન્‍સિલના સભ્‍ય કેરી કેલર-સટર સાથેની વાતચીતનનો ઉલ્લેખ કરી રહ્યા હતાં, ટ્રમ્‍પે ભૂલથી તેમને સ્‍વીત્‍ઝરલૅન્‍ડના વડાપ્રધાન ગણાવ્‍યા હતાં.

ઈન્‍ટરવ્‍યું દરમિયાન ટ્રમ્‍પે કહ્યું, મેં પહેલા ૩૦ ટકા ટેરિફ લગાવ્‍યો હતો, જે ખૂબ જ ઓછો છે. પછી મને સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડના વડા પ્રધાનનો ઇમરજન્‍સી ફોન આવ્‍યો, અને તેઓ ખૂબ જ આક્રમક જણાતાં હતાં. તેમણે કહ્યું, ‘સાહેબ, અમે એક નાનકડો દેશ છીએ. અમને આ નહીં પરવડે, અમને નહીં પરવડે.' હું તેમનો ફોન કાપી શકયો નહીં.

ટ્રમ્‍પે કહ્યું કે તેમણે સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડના નેતાને કહ્યું કે નાનો દેશ હોવા છતાં, સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડની યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સાથે USD 42 બિલિયનની વેપાર ખાધ છે.

ટ્રમ્‍પએ કહ્યું આમ છતાં તેઓ કહેતા રહ્યા ‘ના, ના,અમે એક નાનો દેશ છીએ'. વારંવાર કહેતા રહ્યા. તેમણે જે રીતે અમારી સાથે વાત કરે છે, તે મને ખરેખર ન ગમ્‍યું અને તેથી ટેરીફમાં ઘટાડો કરવાને બદલે, મેં ટેરીફ ૩૯ ટકા સુધી વધારી દીધો.

સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડમાં વડા પ્રધાન કે રાષ્‍ટ્રપતિ? : કેટલાક અઠવાડિયા પહેલા દાવોસમાં વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્‍પે આવી જ ટિપ્‍પણી કરી હતી, એ સમયે પણ તેઓ સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડમાં વડા પ્રધાન છે કે રાષ્‍ટ્રપતિ એ અંગે ચોક્કસ ન હતાં. તેમણે કહ્યું મને લાગે છે કે વડા પ્રધાન, કદાચ રાષ્‍ટ્રપતિ, વડા પ્રધાને ફોન કર્યો હતો, એક મહિલા હતી. તેઓ વારંવાર એક વાત કરી રહ્યા હતાં.

નોંધનીય છે કે સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડમાં કોઈ વડા પ્રધાન કે કાર્યકારી રાષ્‍ટ્રપતિ પદ નથી, સાત સભ્‍યોની ફેડરલ કાઉન્‍સિલ દ્વારા સામૂહિક રીતે દેશનું સંચાલન કરે છે.(૨૩.૨૧)

(2:54 PM IST)