કોંગ્રેસનાં સાંસદોએ સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને ગાળાગાળી કરી
કિરન રિજિજુએ વિપક્ષને આડે હાથ લીધું: રાહુલ ગાંધીની કાર્યશૈલીને ‘બાળબુદ્ધિ' ગણાવીને કર્યા આકરા પ્રહારો : સંસદના બજેટ સત્રમાં મર્યાદાઓ ઓળંગાઈઃ સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં વિપક્ષી સાંસદોનો ભારે હંગામો અને વીડિયો શૂટિંગ થતા સંસદીય કાર્યપ્રણાલી પર ઉઠ્યા સવાલો

નવી દિલ્હી, તા.૧૧: સંસદનું બજેટ સત્ર અત્યારે ચર્ચાને બદલે અશાંતિનું મેદાન બની ગયું છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ અત્યંત ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસના ૨૦ થી ૨૫ જેટલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં બળજબરીપૂર્વક ઘૂસીને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને અપશબ્દો બોલ્યા હતા. રિજિજુએ આ ઘટનાને લોકશાહી માટે કાળો દિવસ ગણાવતા કહ્યું કે, સ્પીકર જેવા ગરિમામય પદ સામે આવું વર્તન અસહ્ય છે. આ હંગામા દરમિયાન -યિંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા, જેઓ સાંસદોને અંકુશમાં લેવાને બદલે ઉશ્કેરણી કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ મંત્રીએ કર્યો છે.
રિજિજુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ કોઈ પણ નિયમો માનવા તૈયાર નથી અને મને કોઈની પરવાનગીની જરૂર નથી તેવી જીદ પકડીને બેઠા છે. મંત્રીએ કટાક્ષ કરતા ઉમેર્યું કે, હું રાહુલ ગાંધીને કંઈ શીખવી શકતો નથી, કારણ કે મને સમજાતું નથી કે તેઓ કઈ દુનિયામાં જીવે છે! સંસદમાં વડાપ્રધાન પણ સ્પીકરની પરવાનગી લઈને બોલે છે, ત્યારે રાહુલ ગાંધીનું આવું વર્તન સંસદીય પ્રણાલીના મૂળિયા હચમચાવી નાખનારું છે. રિજિજુએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સલાહ આપી છે કે તેઓ રાહુલ ગાંધીને સમજાવે કે દેશની સુરક્ષા અને સંસદની ગરિમા એ રાજકીય હથિયાર નથી.
બીજી તરફ, આ ઘટનાના પડઘા હવે કડક કાર્યવાહીના રૂપે જોવા મળી શકે છે. ૩ ફેબ્રુઆરીએ સસ્પેન્ડ થયેલા ૮ સાંસદોની માફીની અરજી ફગાવી દેવામાં આવી છે અને હવે સ્પીકરના ચેમ્બરમાં હંગામો કરનારા તેમજ તેનું ગેરકાયદે ફિલ્માંકન કરનારા સાંસદો પર પણ ગાજ પડી શકે તેમ છે. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરનો ચેમ્બર એ ગળહનો જ એક પવિત્ર ભાગ છે અને ત્યાં વીડિયો શૂટિંગ કરવું એ સુરક્ષા અને શિસ્તનો ગંભીર ભંગ ગણાય છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા સેવાઈ રહી છે. (રર.૧૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
