News of Wednesday, 11th February 2026
વંદે ભારત અને અમૃત ભારતમાં હવે મળશે ‘કન્ફર્મ’ બર્થ: રેલવેએ અણધારી મુસાફરી કરનારાઓ માટે ખોલ્યો ખાસ ક્વોટા
વેઇટિંગ લિસ્ટના ટેન્શનમાંથી મુક્તિ! ઇમરજન્સીમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે બોર્ડનો મોટો નિર્ણય : વંદે ભારત સ્લીપર અને અમૃત ભારતમાં અનામત રખાશે વધારાની બેઠકો: જાણો વીકેન્ડ અને અઠવાડિયાના દિવસોમાં કેટલી સીટો રહેશે ખાલી

નવી દિલ્હી: ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી દેશની પ્રીમિયમ ટ્રેનો ગણાતી વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ અત્યાધુનિક ટ્રેનોમાં માત્ર મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે જ મર્યાદિત ક્વોટા હતો, પરંતુ રેલવે બોર્ડના નવા આદેશ મુજબ, હવે અચાનક મુસાફરીનું આયોજન કરનારા મુસાફરોને પણ કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધી જશે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમને તબીબી કારણો કે અન્ય કોઈ કટોકટીના સમયે તાત્કાલિક મુસાફરી કરવાની ફરજ પડે છે.
રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ક્લાસ મુજબ બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. ફર્સ્ટ એસીમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં 4 અને વીકેન્ડમાં 6 બર્થ અનામત રહેશે. તેવી જ રીતે, સેકન્ડ એસીમાં સામાન્ય દિવસોમાં 20 અને વીકેન્ડમાં 30 બર્થ ઇમરજન્સી ક્વોટા માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે સૌથી વધુ માંગ ધરાવતા થર્ડ એસીમાં વીકેન્ડ દરમિયાન 42 બર્થ સુધીનો ક્વોટા રાખવામાં આવ્યો છે. અમૃત ભારત જેવી ટ્રેનોમાં પણ સાત કે તેથી વધુ સ્લીપર કોચ હોવા પર 24 બર્થનો વિશેષ ક્વોટા અલગ રાખવામાં આવશે, જે જરૂરિયાત મુજબ ઝોનલ રેલવે દ્વારા વધ-ઘટ કરી શકાશે.
આ નવો નિયમ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ શરૂ થતાની સાથે જ અમલમાં આવી જશે. રેલવેના આ નિર્ણયથી ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલા પણ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની આશા જાગી છે. નોંધનીય છે કે, ઇમરજન્સી ક્વોટા સામાન્ય રીતે વીઆઈપી ભલામણ કે ચોક્કસ સરકારી મંજૂરી બાદ ફાળવવામાં આવતો હોય છે, પરંતુ સ્લીપર ટ્રેનોમાં આટલી મોટી સંખ્યામાં બર્થ અનામત રાખવાથી સામાન્ય જનતાની મુસાફરી વધુ સુગમ અને તણાવમુક્ત બનશે. રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને આદેશ આપ્યો છે કે માંગ અને સીટની ઉપલબ્ધતાના આધારે આ ક્વોટાનું યોગ્ય સંચાલન કરવામાં આવે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
