SBI ની ‘જાયન્ટ’ છલાંગ: આઈટી દિગ્ગજ TCS ને પછાડી બની ભારતની ચોથી સૌથી મોટી કંપની
શેરબજારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ ₹15 લાખ કરોડને પાર : ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ રોકાણકારો બેંક પર ફિદા: આર્થિક ક્ષેત્રે બેંકિંગનો દબદબો વધ્યો અને આઈટી ક્ષેત્રના વર્ચસ્વને લાગ્યો જોરદાર ઝટકો

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં એક નવો ઇતિહાસ રચાયો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ને પાછળ છોડીને ભારતની ચોથી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. બુધવારે NSE પર SBI ના શેરમાં 3.23 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને શેર ₹1,183 ની સપાટીએ બંધ થયો હતો. આ તેજીને કારણે બેંકનું કુલ બજાર મૂલ્ય ₹15 લાખ કરોડના જાદુઈ આંકડાને વટાવી ગયું છે. લાંબા સમય બાદ કોઈ જાહેર ક્ષેત્રની સંસ્થાએ ખાનગી ક્ષેત્રની ટોચની આઈટી કંપનીઓને આ પ્રકારે રેન્કિંગમાં પછાડી છે.
SBI ની આ શાનદાર સફળતા પાછળ તેના મજબૂત ત્રિમાસિક પરિણામો મુખ્ય કારણ માનવામાં આવે છે. બેંકની લોન વૃદ્ધિમાં મોટો સુધારો જોવા મળ્યો છે અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ વધ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે બેંકના NPA (નબળી લોન) માં મોટો ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ બેંકિંગ ક્ષેત્ર પર વધુ મજબૂત થયો છે. નિષ્ણાતોના મતે, જ્યાં એક તરફ વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્રમાં ખર્ચમાં ઘટાડો થવાને કારણે TCS જેવી કંપનીઓ દબાણ અનુભવી રહી છે, ત્યાં બીજી તરફ ભારતની મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થાને કારણે બેંકિંગ ક્ષેત્રમાં સતત તેજી જોવા મળી રહી છે.
હાલમાં ભારતીય બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને છે, જ્યારે HDFC બેંક બીજા અને હવે SBI ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ ફેરફાર દર્શાવે છે કે શેરબજારના રોકાણકારોનો ઝુકાવ હવે આઈટી સ્ટોક્સથી ખસીને બેંકિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ તરફ વધી રહ્યો છે. ઇન્ફોસિસ અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ પણ હવે SBI થી પાછળ રહી ગઈ છે. જો આગામી દિવસોમાં બેંકની પ્રોફિટેબિલિટી આવી જ રીતે ચાલુ રહેશે, તો આગામી સમયમાં SBI ટોચની ત્રણ કંપનીઓમાં પણ સ્થાન બનાવી લે તો નવાઈ નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
