News of Wednesday, 11th February 2026
અગ્નિવીર ભરતીમાં ફેરફાર : લગ્ન છુપાવ્યા તો સીધા જેલ ભેગા થશો: સેનાએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર
તાલીમ દરમિયાન લગ્ન કરનારા અગ્નિવીરો સામે હવે થશે FIR : સેના તાલીમનો ખર્ચ પણ વસૂલશે: 2026ની ભરતી રેલીમાં ઉમેદવારોએ હવે અગાઉથી જ પસંદ કરવો પડશે પોતાનો ‘ટ્રેડ’ : બિહારની ઘટના બાદ સંરક્ષણ મંત્રાલય કડક

નવી દિલ્હી: અગ્નિપથ યોજનાના ચાર વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે ભારતીય સેનાએ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. સેના ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે જ પોતાની પસંદગીનો 'ટ્રેડ' (વ્યવસાય) પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. પહેલા આ જવાબદારી સેનાની હતી, પરંતુ હવે ઉમેદવાર પોતાની આવડત મુજબ ટેકનિકલ, ક્લાર્ક કે ટ્રેડ્સમેન જેવી કેટેગરી અગાઉથી નક્કી કરી શકશે. આ ફેરફારથી ભરતી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા આવશે અને યુવાનોને તેમની પસંદગીના ક્ષેત્રમાં સેવા આપવાની તક મળશે.
જોકે, સૌથી મોટો અને કડક ફેરફાર અવિવાહિત હોવા અંગેના નિયમમાં કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ, જો કોઈ અગ્નિવીર પરિણીત હોવાનું જણાય તો તેને માત્ર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. પરંતુ હવે, સેનાએ આ મામલે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. જો કોઈ ઉમેદવાર લગ્ન અંગેનું સત્ય છુપાવશે, તો તેની સામે માત્ર સસ્પેન્શન જ નહીં પરંતુ FIR પણ દાખલ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ખોટું બોલનાર ઉમેદવારને જેલની સજા પણ થઈ શકે છે. આટલું જ નહીં, સેના તે ઉમેદવારની તાલીમ પાછળ ખર્ચાયેલા તમામ નાણાંની વસૂલાત પણ તેના પરિવાર પાસેથી કરશે.
આ કડક કાર્યવાહીની જરૂરિયાત બિહારના બેગુસરાયમાં બનેલી એક ઘટના બાદ ઊભી થઈ છે, જ્યાં એક અગ્નિવીરે તાલીમ દરમિયાન ખાનગીમાં લગ્ન કરી લીધા હતા. આ ઘટનાએ સેનાની શિસ્ત પર સવાલો ઉભા કર્યા હતા, જેના પગલે 2026ની આગામી ભરતી રેલીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. સેના અત્યારે 25% અગ્નિવીરોને કાયમી કરવાના મુદ્દે પણ ગંભીર વિચારણા કરી રહી છે, ત્યારે આ નવા કડક નિયમો એ સ્પષ્ટ સંકેત આપે છે કે સેનામાં માત્ર શારીરિક રીતે સક્ષમ જ નહીં, પરંતુ શિસ્તબદ્ધ અને પ્રામાણિક યુવાનોની જ જરૂર છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
