News of Wednesday, 11th February 2026
માસિક સ્રાવ હવે 'કલંક' નહીં પણ 'મૂળભૂત અધિકાર': સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ બદલી દીધી દેશની આબોહવા; શાળાઓમાં છોકરીઓને મળશે નવી આઝાદી
માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર કોર્ટની લાલ આંખ; શૌચાલય અને વહેતા પાણીના અભાવે શાળા છોડતી હજારો દીકરીઓ માટે આશાનુ કિરણ, નિષ્ણાતોની વિશેષ ચર્ચા

નવી દિલ્હી : ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક ક્રાંતિકારી વળાંક સમાન, સુપ્રીમ કોર્ટે માસિક સ્રાવ (Periods) સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના અધિકારને 'મૂળભૂત અધિકાર' તરીકે માન્યતા આપી છે. આ ચુકાદાએ દેશમાં વર્ષોથી ચાલ્યા આવતા મૌન અને કલંકને તોડવા તરફ મોટું ડગલું માંડ્યું છે. આ સીમાચિહ્નરૂપ ચુકાદાના દૂરગામી પરિણામો શું આવશે તે સમજવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
શા માટે આ ચુકાદો અનિવાર્ય હતો?
ભારતમાં આજે પણ હજારો છોકરીઓ દર વર્ષે માત્ર એટલા માટે અભ્યાસ અધવચ્ચે છોડી દે છે કારણ કે તેમની શાળાઓમાં સ્વચ્છ શૌચાલય, સુરક્ષિત પેડ્સ અને વહેતા પાણીની સુવિધા હોતી નથી. દેશની અડધી વસ્તી આ કુદરતી પ્રક્રિયાનો અનુભવ કરે છે, છતાં પણ 'પીરિયડ્સ' શબ્દ જાહેરમાં બોલવામાં શરમ અનુભવાય છે. સુપ્રીમ કોર્ટે આ જ અસુવિધા અને સામાજિક માનસિકતાને પકડતા શાળાઓમાં માળખાગત સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો છે.
પોડકાસ્ટમાં નિષ્ણાતનો દ્રષ્ટિકોણ
પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂનમ મુત્રેજાએ આ પોડકાસ્ટમાં યજમાન ઝુબેદા હમીદ સાથે વાત કરતા જણાવ્યું કે, આ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. શાળાઓમાં છોકરાઓને આ વિષય પર સંવેદનશીલ બનાવવા અત્યંત જરૂરી છે. જો નવી પેઢીમાં આ અંગે વાતચીત શરૂ થશે, તો જ આપણે સાચા અર્થમાં લિંગ સમાનતા (Gender Equality) લાવી શકીશું.
પીરિયડ પોવર્ટી (Period Poverty): એક છૂપો શત્રુ
ચર્ચામાં 'પીરિયડ પોવર્ટી' એટલે કે માસિક દરમિયાન જરૂરી સાધનો ખરીદવાની આર્થિક અસમર્થતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારતમાં લાખો મહિલાઓ હજુ પણ બજારમાં મળતા સેનિટરી પેડ્સ ખરીદી શકતી નથી, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે. કોર્ટના આ ચુકાદાથી હવે સરકારો પર દબાણ વધશે કે તેઓ શાળાઓ અને જાહેર સ્થળોએ મફત અથવા સસ્તા દરે સ્વચ્છતાના સાધનો પૂરા પાડે.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર કાગળ પરનો દસ્તાવેજ નથી, પરંતુ દેશની અડધી વસ્તીના ગૌરવ અને સ્વાસ્થ્યની સુરક્ષાની ગેરંટી છે. પોડકાસ્ટમાં એ વાત પર ભાર મુકાયો છે કે હવે સમય આવી ગયો છે કે સમાજ પીરિયડ્સ પરનું પોતાનું મૌન તોડે અને તેને સામાન્ય શારીરિક પ્રક્રિયા તરીકે સ્વીકારે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
