News of Wednesday, 11th February 2026
બાંગ્લાદેશ ચૂંટણીમાં 'કૃષ્ણ' અને 'ગોવિંદા'ની એન્ટ્રી: કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામીએ પહેલીવાર હિન્દુને ટિકિટ આપી, શેખ હસીનાના ગઢમાં અપક્ષનો પડકાર!
૧૨૭ મિલિયન મતદારો અને ૮૦ લઘુમતી ઉમેદવારો: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલાઓ વચ્ચે 'કૃષ્ણ નંદી' અને 'ગોવિંદ ચંદ્રા' બન્યા ચર્ચાનું કેન્દ્ર

ખુલના : બાંગ્લાદેશમાં આવતીકાલે (૧૨ ફેબ્રુઆરી) થનારી સંસદીય ચૂંટણીમાં આ વખતે રાજકીય સમીકરણો સાવ બદલાયેલા જોવા મળી રહ્યા છે. શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ હોવાથી મેદાન ખુલ્લું છે, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય 'કૃષ્ણ' અને 'ગોવિંદા' નામના બે હિન્દુ ચહેરાઓએ સર્જ્યું છે. એક તરફ કટ્ટરવાદી ઈમેજ ધરાવતી જમાત-એ-ઇસ્લામીએ ઈતિહાસમાં પહેલીવાર કોઈ હિન્દુને ટિકિટ આપી છે, તો બીજી તરફ શેખ હસીનાની પરંપરાગત બેઠક પર એક અપક્ષ હિન્દુ નેતા તાકાત બતાવી રહ્યા છે.
જમાતના 'કૃષ્ણ' પર સૌની નજર
કટ્ટરપંથી પક્ષ તરીકે ઓળખાતી જમાત-એ-ઇસ્લામીએ ખુલના-૧ બેઠક પરથી હિન્દુ ઉદ્યોગપતિ કૃષ્ણ નંદીને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૦૩થી આ પક્ષ સાથે જોડાયેલા કૃષ્ણ નંદીનું કહેવું છે કે, "જો જમાત સત્તામાં આવશે તો હિન્દુઓએ ભારત જવાની જરૂર નહીં પડે, તેઓ અહીં ગૌરવ સાથે રહી શકશે." આ બેઠક હિન્દુ બહુમતી ધરાવતી હોવાથી જમાતે આ માસ્ટરસ્ટ્રોક ખેલ્યો હોવાનું મનાય છે.
શેખ હસીનાના ગઢમાં 'ગોવિંદા'નો પડકાર
બીજી તરફ, બાંગ્લાદેશ રાષ્ટ્રીય હિન્દુ મહાજોતના મહાસચિવ ગોબિંદ ચંદ્રા પ્રમાણિક ગોપાલગંજ-૩ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. આ એ જ બેઠક છે જ્યાંથી પૂર્વ પીએમ શેખ હસીના ચૂંટણી લડતા હતા. ગોપાલગંજમાં ૮૦ ટકા લઘુમતી મતદારો છે. ગોવિંદાએ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતમાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ કાયદાકીય લડત બાદ તેઓ ફરી મેદાનમાં આવ્યા છે. તેમના માટે સૌથી મોટો પડકાર મતદાનના દિવસે સુરક્ષાનો છે.
ચૂંટણીના મુખ્ય આંકડા:
• કુલ મતદારો: ૧૨૭ મિલિયન (૧૨.૭ કરોડથી વધુ).
• લઘુમતી ઉમેદવારો: કુલ ૮૦ (જેમાં ૧૨ અપક્ષ અને ૧૦ મહિલાઓ છે).
• પક્ષોની સ્થિતિ: અવામી લીગ પર પ્રતિબંધ છે, જ્યારે BNP એ ૬ અને જમાતે ૧ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી છે.
• સુરક્ષા: હિન્દુ લઘુમતીઓ પર તાજેતરમાં થયેલા હુમલાઓને જોતા ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
આ ચૂંટણી બાંગ્લાદેશના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે, કારણ કે આ વખતે 'જીન-ઝેડ' (નવી પેઢી) ના મતો અને લઘુમતીઓની સુરક્ષા સૌથી મોટા મુદ્દા છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
