News of Wednesday, 11th February 2026
મણિપુરમાં ફરી હિંસાની જ્વાળા: ઉખરુલમાં સતત ત્રીજા દિવસે ભારે ગોળીબાર અને આગજની, ૫ દિવસ માટે ઈન્ટરનેટ સેવા ઠપ્પ
કુકી-ઝો અને નાગા જૂથો સામસામે આવતા તણાવ ચરમસીમાએ; લીતાન વિસ્તારમાં અનેક ઘરો ફૂંકી મરાયા, લોકોમાં ભારે ફફડાટ

મણિપુર : પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાનો ભડકો થયો છે. આ વખતે ઉખરુલ જિલ્લો અશાંતિનું કેન્દ્ર બન્યો છે, જ્યાં કુકી-ઝો અને નાગા સમુદાયના સશસ્ત્ર જૂથો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સતત અથડામણ ચાલી રહી છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે જિલ્લામાં આગામી ૫ દિવસ સુધી ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
લીતાન વિસ્તારમાં ભારે તબાહી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉખરુલના લીતાન વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં અજાણ્યા તોફાની તત્વો દ્વારા અનેક રહેણાંક મકાનોને નિશાન બનાવીને આગ ચાંપવામાં આવી હતી. આકાશમાં ધુમાડાના ગોટા અને ચારેબાજુ ફેલાયેલી આગને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંસાથી બચવા માટે સેંકડો પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે.
સતત ગોળીબારથી ગુંજી ઉઠ્યું ઉખરુલ
માત્ર આગજની જ નહીં, પરંતુ બંને જૂથો વચ્ચે સામસામે ભારે ગોળીબારના અહેવાલો પણ સામે આવ્યા છે. રવિવારથી શરૂ થયેલી આ અથડામણ બુધવારે પણ ચાલુ રહી હતી. સશસ્ત્ર બદમાશો દ્વારા ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. વધતા તણાવને જોતા રાજ્ય સરકાર દ્વારા ઉખરુલમાં વધારાની સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં કરફ્યુ જેવી સ્થિતિ લાદવામાં આવી છે.
શાંતિ માટે અપીલ અને રાજકીય હલચલ
મણિપુરના નવા મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે રાજ્યના તમામ સમુદાયોને શાંતિ જાળવવા અને હિંસાનો માર્ગ ત્યાગવા અપીલ કરી છે. જોકે, સોશિયલ મીડિયા પર લોકો આ હિંસાને લઈને રોષ ઠાલવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો જલ્દીથી કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં યોજાનારા તહેવારોની રોનક ફિક્કી પડી જશે. સુરક્ષા દળો હાલમાં પ્રભાવિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ઇન્ટરનેટ પર પ્રતિબંધ કેમ?
અફવાઓ ફેલાતી અટકાવવા અને હિંસાની આગ વધુ ન પ્રસરે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્ટરનેટ પર પાબંદી લાદવામાં આવી છે. વહીવટીતંત્રનું માનવું છે કે સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક સંદેશાઓને કારણે હિંસા વધુ ભડકી શકે છે, તેથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
