કોટા: શાળા કે સલૂન? શિક્ષણ વિભાગના અનોખા આદેશથી ખળભળાટ: સરકારી શાળાઓમાં હવે બાળકોના મફત વાળ અને નખ કાપવામાં આવશે!
છોકરીઓ માટે મહિલા સ્ટાફની હાજરી ફરજિયાત; 'સ્વચ્છતા અભિયાન' ના નવા સ્વરૂપને લઈને વાલીઓ અને શિક્ષકોમાં શરૂ થઈ ગંભીર ચર્ચા

કોટા: રાજસ્થાનના કોટામાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો એક વિચિત્ર અને અનોખો આદેશ અત્યારે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સરકારી શાળાઓને આદેશ આપ્યો છે કે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શાળા પરિસરમાં જ મફત 'હેર કટિંગ' (વાળ કાપવા) અને નખ કાપવાના કેમ્પનું આયોજન કરવામાં આવે. આ આદેશ બાદ શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે કે હવે શાળાઓમાં શિક્ષણ અપાશે કે ગ્રૂમિંગ?
શ્રીકૃષ્ણ સલૂનની અનોખી દરખાસ્ત
આ સમગ્ર કવાયત પાછળ કોટાના કુન્હાડી વિસ્તારમાં આવેલા 'શ્રી કૃષ્ણ સલૂન' (SKS) ના સંચાલક બ્રિજેશ કુમાર સેનની એક ઓફર જવાબદાર છે. તેમણે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે તેઓ ગરીબ બાળકોની વ્યક્તિગત સ્વચ્છતા (Personal Hygiene) માટે શાળાઓમાં જઈને મફત સેવા આપવા માંગે છે. શિક્ષણ વિભાગે આ પ્રસ્તાવને તુરંત મંજૂરી આપીને સત્તાવાર આદેશ જારી કરી દીધો છે.
છોકરીઓની સુરક્ષા માટે ખાસ તકેદારી
આદેશમાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે પણ આ કેમ્પ યોજાય, ત્યારે જે-તે વર્ગના શિક્ષકની હાજરી અનિવાર્ય રહેશે. ખાસ કરીને છોકરીઓના કિસ્સામાં વધુ સાવચેતી રાખતા સૂચના અપાઈ છે કે તેમના વાળ કે નખ કાપતી વખતે એક મહિલા સ્ટાફ સભ્ય અને એક મહિલા શિક્ષકની હાજરી ફરજિયાત રહેશે. વિભાગનું માનવું છે કે આનાથી બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવશે.
શિક્ષણ વિભાગ કે 'સલૂન' વિભાગ?
જોકે, આ આદેશથી શિક્ષકો અને વાલીઓ વચ્ચે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આને બાળકોના સ્વાસ્થ્ય માટે સારું પગલું માની રહ્યા છે, તો બીજી તરફ કેટલાક શિક્ષકો મજાકમાં કહી રહ્યા છે કે હવે શિક્ષણ વિભાગ 'ગ્રૂમિંગ ગાઈડ' તરીકે કામ કરી રહ્યો છે. વાલીઓમાં પણ ચર્ચા છે કે સરકારી આદેશથી હવે શાળાઓમાં કાતર અને નેલ-કટર ચાલશે.
હાલમાં તો આખા કોટામાં એક જ વાતની ચર્ચા છે કે, "ભણતરની સાથે હવે ગણતર અને વાળ-નખની સફાઈ પણ માસ્તરની દેખરેખમાં થશે!"









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
