<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

પાન કાર્ડના નિયમોમાં ‘પાવરફુલ’ ફેરફાર: ₹10 લાખ સુધીના બેંક ટ્રાન્ઝેક્શનમાં હવે પાન કાર્ડની જરૂર નહીં: જાણો નવા સ્માર્ટ PAN 2.0 ના ફાયદા

1 એપ્રિલ, 2026 થી બદલાઈ જશે તમારી આર્થિક દુનિયા: હોટેલ બિલ, ગાડીની ખરીદી અને મિલકતના સોદામાં મળશે મોટી રાહત : પણ ક્રિપ્ટો અને વીમા ક્ષેત્રે સરકારની રહેશે કડક નજર: પેપરલેસ ઇકોનોમી તરફ ભારતનું મોટું કદમ

નવી દિલ્હી:  ભારત સરકાર આવકવેરા કાયદા 2025 હેઠળ કર પ્રણાલીમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા અને બેંકિંગ વ્યવહારો પર પડશે. 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવનારા આ નવા નિયમો મુજબ, હવે બેંકોમાં દરરોજ ₹50,000 જમા કરાવવા પર પાન કાર્ડ આપવાની કપાતભરી મર્યાદા દૂર કરવામાં આવશે. તેના બદલે, સરકારે વાર્ષિક ₹10 લાખ સુધીની મર્યાદા નક્કી કરી છે. એટલે કે, જો તમારો આખા વર્ષનો રોકડ વ્યવહાર ₹10 લાખથી ઓછો હશે, તો તમારે વારંવાર પાન કાર્ડના દસ્તાવેજો સબમિટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ફેરફારથી મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને મોટી વહીવટી રાહત મળશે.

નવા નિયમો માત્ર બેંકિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ મિલકત અને વાહન ખરીદીમાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે. હવે ₹5 લાખ સુધીના વાહન ખરીદવા માટે પાન કાર્ડની વિગતો આપવી અનિવાર્ય રહેશે નહીં. એ જ રીતે, સ્થાવર મિલકત એટલે કે જમીન-મકાનના વ્યવહારોમાં પણ પાન કાર્ડની મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, લગ્નસરા કે ફંક્શનમાં હોટેલ બિલની ચુકવણી માટેની મર્યાદા પણ ₹50,000 થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વ્યવહારોમાં કાગળની કાર્યવાહી ઘટાડીને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનો છે.

જોકે, સરકાર ડિજિટલ એસેટ્સ અને વીમા ક્ષેત્રે વધુ કડક બની રહી છે. હવે કોઈપણ વીમા પોલિસી લેવા માટે પાન કાર્ડ ફરજિયાત બનશે, જ્યારે ક્રિપ્ટોકરન્સી રોકાણકારોના દરેક વ્યવહાર પર સરકારની બાજ નજર રહેશે. આ બધી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા માટે સરકાર 'સ્માર્ટ પાન કાર્ડ' (PAN 2.0) રજૂ કરી રહી છે, જે ક્યુઆર (QR) કોડથી સજ્જ હશે. આ કાર્ડ દ્વારા કોઈપણ વ્યક્તિનું ડિજિટલ વેરિફિકેશન પળવારમાં થઈ જશે. CBDT નો આ નવો બ્લુપ્રિન્ટ ટેક્સ ચોરી રોકવાની સાથે સાથે ઈમાનદાર કરદાતાઓ માટે નાણાકીય વ્યવહારો અત્યંત સરળ બનાવશે.

(7:30 PM IST)