<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રનો 'બ્રેક': "તેમની ૨૪ વાર મેડિકલ તપાસ થઈ, તેઓ સંપૂર્ણ ફિટ છે" - સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ!

રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયતને પત્ની ગીતાંજલિએ કોર્ટમાં આપ્યો છે પડકાર; સ્વાસ્થ્યના બહાને જામીન મેળવવાની કોશિશ સામે કેન્દ્રની દલીલ - "વાંગચુક એકદમ તંદુરસ્ત છે"

નવી દિલ્હી: લદ્દાખના પર્યાવરણવિદ અને 'રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ' તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
 સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, "અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી."
લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની અને પર્યાવરણના રક્ષણ માટે વાંગચુક લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા. સરકારે સુરક્ષાના કારણો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવ્યો છે. સરકારનું માનવું છે કે તેમની મુક્તિથી સીમાવર્તી વિસ્તારોમાં અસ્થિરતા પેદા થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે વધુ દલીલો થશે. એક તરફ વાંગચુકના સમર્થકો તેને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી માની રહી છે. સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય રિપોર્ટ્સ જોયા બાદ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે, તેના પર આખા દેશની નજર ટકેલી છે. લદ્દાખના પહાડોમાંથી શરૂ થયેલી આ લડાઈ હવે દેશની સૌથી મોટી અદાલતના ગલિયારાઓમાં ગાજી રહી છે.

(8:37 PM IST)