<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

બાગેશ્વર ધામમાં મંગલફેરા: ૩૦૦ કન્યાઓના લગ્નનો રૂડો અવસર, મુખ્યમંત્રી મોહન યાદવ પોતે કન્યાઓના 'ધર્મપિતા' બની માંડવો રોપશે!

મહાશિવરાત્રીના પાવન અવસરે બાબા બાગેશ્વરનો અનોખો માનવતાવાદી અભિગમ; અનાથ અને આર્થિક રીતે નબળી દીકરીઓનું ઘર વસાવવા ધામમાં જામશે ભવ્ય લગ્નોત્સવ - દેશ-વિદેશના મહાનુભાવો બનશે સાક્ષી

છતરપુર : ભક્તિ અને શક્તિના સંગમ સમાન મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આગામી ૧૫ ફેબ્રુઆરી, મહાશિવરાત્રીના શુભ દિને એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી પ્રસંગ આકાર લેવા જઈ રહ્યો છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાનિધ્યમાં આ વર્ષે ૩૦૦ જરૂરિયાતમંદ કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ મહોત્સવ માટે આખું ધામ દુલ્હનની જેમ સજ્જ થઈ રહ્યું છે અને તૈયારીઓ હવે આખરી ઓપમાં છે.
આ મહોત્સવની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પોતે આ દીકરીઓના લગ્ન મંડપના રોપણ માટે અને હલ્દીની મંગલ વિધિમાં ભાગ લેવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. બાબા બાગેશ્વરે આ દીકરીઓના સૌભાગ્યની પ્રશંસા કરતા ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, "જે દીકરીઓનું આ દુનિયામાં કોઈ નથી, તેમના પિતા બનીને સ્વયં હનુમાનજી (બાલાજી સરકાર) તેમનો સંસાર વસાવી રહ્યા છે."
લાખોની મેદની ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને હિતકારી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે અતિશય ભીડને કારણે વ્યવસ્થા જાળવવી કઠિન હોઈ શકે છે, તેથી જે દર્દીઓ ગંભીર હાલતમાં છે તેમને અત્યારે ધામ પર ન લાવવા. કન્યાઓના લગ્ન વિધિવત સંપન્ન થયા બાદ ફરીથી ભવ્ય દિવ્ય દરબારનું આયોજન થશે, જેમાં ભક્તો દર્શન અને આશીર્વાદનો લાભ લઈ શકશે.
: આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ ઉમટી પડવાની હોવાથી છતરપુરના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કલેક્ટર અને એસપીએ પોતે ધામની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી છે. ધામ તરફ જતા દરેક માર્ગો પર લગ્નના મંગલ વધામણાં અને શણગાર કરવામાં આવ્યો છે, જે જોઈને ભક્તો ભક્તિભાવથી તરબતર થઈ રહ્યા છે. બાગેશ્વર ધામનો આ સેવાયજ્ઞ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવતા અને ધર્મના અનોખા સમન્વયનું જીવંત ઉદાહરણ છે

(8:40 PM IST)