પાકિસ્તાનનો પસ્તાવો કે પેંતરો? સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ બોલ્યા- "અમેરિકાએ આપણો ટોઇલેટ પેપરની જેમ ઉપયોગ કર્યો", પણ અસલી ગુનેગાર કોણ?
ખ્વાજા આસિફના નિવેદનથી રાજકીય ગરમાવો: અમેરિકાને દોષ દઈને પાકિસ્તાન પોતાની વર્ષો જૂની 'ડબલ ગેમ' છુપાવવા મથે છે; ભારત વિરુદ્ધ ષડયંત્રો રચવા માટે ઈસ્લામાબાદે પોતે જ વોશિંગ્ટન સામે ધર્યું હતું નાક!

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં સંસદમાં એક એવું નિવેદન આપ્યું છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવ્યો છે. આસિફે સ્વીકાર્યું કે અમેરિકાએ પાકિસ્તાનનો માત્ર એક 'વસ્તુ'ની જેમ ઉપયોગ કર્યો અને કામ પત્યા પછી એકલું છોડી દીધું. જોકે, નિષ્ણાતો માને છે કે આસિફ અહીં માત્ર અડધું સત્ય બોલી રહ્યા છે અને પાકિસ્તાનની લાચારી બતાવીને દુનિયાની સહાનુભૂતિ મેળવવાનો આ એક ફિશિયારીભર્યો પ્રયાસ છે.
ખ્વાજા આસિફનો આરોપ છે કે અફઘાનિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો, પણ સત્ય એ છે કે પાકિસ્તાને હંમેશા પોતાની ભૌગોલિક સ્થિતિનો વેપાર કર્યો છે. ડોલરની લાલચમાં પાકિસ્તાની શાસકોએ પોતે જ દેશને અમેરિકાની 'ચોકી' બનાવી દીધો હતો. ભારત સામે શસ્ત્રો અને આર્થિક મદદ મેળવવા માટે પાકિસ્તાને હંમેશા અમેરિકાના દરેક લોહિયાળ ખેલમાં ભાગીદાર બનવાનું પસંદ કર્યું છે.
૯/૧૧ ના હુમલા પછી, પાકિસ્તાને એક તરફ અમેરિકા પાસેથી આતંકવાદ સામે લડવા માટે અબજો ડોલરની સહાય લીધી, તો બીજી તરફ ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને પોતાના લશ્કરી મથક પાસે આશ્રય આપ્યો. આ 'ડબલ ગેમ' પાકિસ્તાનની વિદેશ નીતિનો હિસ્સો રહી છે. આજે જ્યારે અમેરિકાએ મદદના નળ બંધ કરી દીધા છે અને ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે મજબૂત ભાગીદારી કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનને અચાનક પોતાની 'ઇજ્જત' યાદ આવી રહી છે.
નિષ્ણાતોના મતે ખ્વાજા આસિફનું આ નિવેદન વાસ્તવમાં પાકિસ્તાનની વિદેશ નીતિની હારનું પરિણામ છે. અત્યારે પાકિસ્તાન દેવાના ડુંગર નીચે દબાયેલું છે અને વડાપ્રધાન શાહબાઝ શરીફથી લઈને આર્મી ચીફ સુધીના તમામ નેતાઓ અમેરિકાના ચક્કર લગાવી રહ્યા છે. જ્યારે ત્યાંથી જોઈએ તેવો પ્રતિસાદ નથી મળતો, ત્યારે આ પ્રકારના ઉગ્ર નિવેદનો આપીને જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સત્ય એ છે કે પાકિસ્તાને અમેરિકાનો એટલો જ ઉપયોગ કર્યો છે જેટલો અમેરિકાએ પાકિસ્તાનનો કર્યો છે. વોશિંગ્ટનને દોષ દેવાથી ઈતિહાસના એ પાના ભૂંસી શકાશે નહીં જેમાં પાકિસ્તાને પોતાના જ સ્વાર્થ માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
