<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

અમદાવાદ વિમાન દુર્ઘટના વિમાનનાં પાઇલોટે જાણી જોઇને ફયુલ સ્‍વિચ બંધ કરી દીધી'તી

અમદાવાદમાં ૨૬૦ મુસાફરોનો ભોગ લેનાર એર ઇન્‍ડિયાના વિમાન અકસ્‍માત મામલે ઇટાલીના અખબારનો સનસનીખેજ દાવો વિમાન પાઇલોટના કારણે અકસ્‍માતનો ભોગ બન્‍યુ હતું : અખબાર કહે છે... તપાસકર્તા ફાઇનલ રીપોર્ટમાં એવું કહી શકે કે પાઇલોટે જવાબદાર હતો

નવી દિલ્‍હી, તા.૧૨: એક ઇટાલિયન અખબારે દાવો કર્યો છે કે ભારતીય તપાસકર્તાઓ તેમના અહેવાલમાં એવું તારણ કાઢી શકે છે કે એર ઇન્‍ડિયા ફ્‌લાઇટ ૧૭૧ એક જ પાઇલટના એક્‍શનના  કારણે ક્રેશ થયું હતું. પશ્‍ચિમી ઉડ્ડયન એજન્‍સીઓના સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્‍યું છે કે ભારતીય તપાસકર્તાઓ તેમના અંતિમ તપાસ અહેવાલમાં એવું તારણ કાઢી શકે છે કે એર ઇન્‍ડિયા ફ્‌લાઇટ ૧૭૧ ક્રેશ થયું કારણ કે એક પાયલોટે ‘લગભગ જાણી જોઈને' વિમાનની  ઇંધણ સ્‍વીચ બંધ કરી દીધી હતી.

ઇટાલિયન અખબાર કોરીએર ડેલા સેરાએ પશ્‍ચિમી ઉડ્ડયન એજન્‍સીઓના સૂત્રોને ટાંકીને જણાવ્‍યું હતું કે તપાસકર્તાઓ તેમના અંતિમ અહેવાલમાં એવું તારણ કાઢે તેવી શકયતા છે કે એર ઇન્‍ડિયા ફ્‌લાઇટ ૧૭૧ ક્રેશ થયું કારણ કે એક પાઇલટે ‘લગભગ ચોક્કસપણે' ઇંધણ સ્‍વીચ બંધ કરી દીધી હતી આ નિષ્‍કર્ષ કોકપીટ વૉઇસ રેર્કોડિંગની તપાસ અને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી જોવા મળી ન હતી તે હકીકત પર આધારિત છે.

પશ્‍ચિમી ઉડ્ડયન એજન્‍સીઓએ જણાવ્‍યું છે કે તપાસમાં હજુ સુધી કોઈ ટેકનિકલ ખામી બહાર આવી નથી. અહેવાલ મુજબ, કોકપીટ વોઇસ રેર્કોડિંગમાં એ પણ ખુલાસો થયો છે કે કયા પાઇલટે ફયુઅલ સ્‍વીચ બંધ કરી હતી. આ એર ઇન્‍ડિયા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર ફ્‌લાઇટ અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી. આ વિમાન કેપ્‍ટન સુમિત સભરવાલ અને સહ-પાયલટ કેપ્‍ટન ક્‍લાઇવ કુંદર ઉડાડી રહ્યા હતા.

ટેકઓફ પછી તરત જ વિમાન ક્રેશ થયું: ગયા વર્ષે ૧૨ જૂને આ અકસ્‍માત થયો હતો, જ્‍યારે વિમાન ટેકઓફ પછી થોડી જ સેકન્‍ડોમાં ક્રેશ થયું હતું. આ અકસ્‍માતમાં કુલ ૨૪૧ મુસાફરો અને ક્રૂ સભ્‍યો માર્યા ગયા હતા, જ્‍યારે વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાતાં ૧૯ અન્‍ય લોકો માર્યા ગયા હતા. વિમાનમાં સવાર લોકોમાંથી ૫૩ બ્રિટિશ નાગરિકો હતા. આ અકસ્‍માતમાં ફક્‍ત એક મુસાફર, વિશ્વાસ કુમાર રમેશ બચી ગયો હતો.

ધ કેપ્‍ટન મે બી રિસ્‍પોન્‍સિબલ : કોરીએર ડેલા સેરાએ મંગળવારે (૧૦ ફેબ્રુઆરી) તેના અહેવાલમાં પશ્‍ચિમી સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે કેપ્‍ટન સુમિત સભરવાલને આ અકસ્‍માત માટે જવાબદાર ઠેરવી શકાય છે. રિપોર્ટ મુજબ, તપાસમાં જાણવા મળ્‍યું કે ડાબું એન્‍જિન પહેલા બંધ કરવામાં આવ્‍યું હતું. કેપ્‍ટન હંમેશા ડાબી સીટ પર બેસતો હોવાથી, શંકા તેના પર પડે છે. ત્‍યારબાદ, જમણું એન્‍જિન પણ બંધ થઈ ગયું. અખબારે એમ પણ અહેવાલ આપ્‍યો છે કે અકસ્‍માત સમયે, કો-પાયલટ ક્‍લાઈવ કુંદરની કંટ્રોલ સ્‍ટીક વિમાનને ઉપાડવાનો પ્રયાસ કરી રહી હતી, જ્‍યારે કેપ્‍ટનની કંટ્રોલ સ્‍ટીક સ્‍થિર હતી.

બ્‍લેક બોક્‍સ રેર્કોડિંગમાં શું મળ્‍યું? : રિપોર્ટ મુજબ, વિમાનનો ફ્‌લાઇટ ડેટા રેકોર્ડર, અથવા બ્‍લેક બોક્‍સ, કેપ્‍ટન સુમિત સભરવાલ વિશે પણ શંકા ઉભી કરે છે. બ્‍લેક બોક્‍સ રેર્કોડિંગમાં, એક પાયલટ બીજાને પૂછતો સાંભળવામાં આવે છે, તમે એન્‍જિન કેમ બંધ કર્યા? બીજો પાયલટ જવાબ આપે છે, મેં તે નથી કર્યું.ૅ ઇટાલિયન અખબાર સાથે વાત કરતા સૂત્રો કહે છે કે ભારતમાં મોટો વિવાદ ટાળવા માટે અકસ્‍માત અંગેનો અંતિમ અહેવાલ નરમ શબ્‍દોમાં લખી શકાય છે.

એક સૂત્રએ કહ્યું, હવે સ્‍વીકારવામાં આવ્‍યું છે કે જો એક પાયલટને જવાબદાર ઠેરવવામાં આવે છે, તો તેને જરૂરી બલિદાન તરીકે જોવામાં આવશે. જોકે, સૂત્રો એમ પણ કહે છે કે રિપોર્ટનો હેતુ કોઈને દોષી ઠેરવવાનો નથી, પરંતુ ઉડ્ડયન ક્ષેત્રને સુધારવા અને અકસ્‍માતોની સંખ્‍યા ઘટાડવાનો છે.

પાઇલટ્‍સના સ્‍વાસ્‍થ્‍ય અને માનસિક સ્‍થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.

અખબારના જણાવ્‍યા મુજબ, અંતિમ રિપોર્ટમાં પાઇલટ્‍સના શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત મુદ્દાઓને પણ સંબોધવામાં આવી શકે છે. એવું જાણવા મળ્‍યું છે કે તપાસ અહેવાલને જાહેર કરવાનો નિર્ણય ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી વચ્‍ચે ચર્ચા પછી લેવામાં આવશે.

કોણ તપાસ કરી રહ્યું છે? : ભારતના એરક્રાફ્‌ટ એક્‍સિડેન્‍ટ્‍સ ઇન્‍વેસ્‍ટિગેશન બ્‍યુરો (AAIB) આ અકસ્‍માતની તપાસ કરી રહ્યું છે. તપાસમાં યુએસ નેશનલ ટ્રાન્‍સપોર્ટેશન સેફ્‌ટી બોર્ડ (NTSB), વિમાન ઉત્‍પાદક બોઇંગ અને એન્‍જિન ઉત્‍પાદક GE એરોસ્‍પેસ પણ સામેલ છે.

એવું પણ જાણવા મળ્‍યું છે કે પશ્‍ચિમી દેશો ભારતીય એરલાઇન્‍સના સલામતી રેટિંગ પર પુનર્વિચાર કરી શકે છે, જે ભારતની છબીને જોખમમાં મૂકે છે, ખાસ કરીને કારણ કે દેશ હવાઈ મુસાફરી, પર્યટન અને વેપારમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.

ભારતના એરક્રાફ્‌ટ એક્‍સિડન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન બ્‍યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હજુ સુધી આ દાવાનો જવાબ આપ્‍યો નથી. ૧૨ જૂનના રોજ, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્‍ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન (ફ્‌લાઇટ ૧૭૧) ક્રેશ થયું હતું, જેમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા. બંને એન્‍જિનનો ધક્કો ખતમ થયાના ૩૨ સેકન્‍ડ પછી વિમાન મેડિકલ સ્‍ટુડન્‍ટ હોસ્‍ટેલમાં ક્રેશ થયું હતું.

જોકે, તે સ્‍પષ્ટ નથી કે અંતિમ અહેવાલમાં સ્‍વીચો ઇરાદાપૂર્વક કેવી રીતે બંધ કરવામાં આવ્‍યા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવશે કે જવાબદારી સ્‍પષ્ટપણે સોંપવામાં આવશે કે નહીં. રિપોર્ટ અનુસાર, મુખ્‍ય શંકાસ્‍પદ એરક્રાફ્‌ટ કમાન્‍ડર સુમિત સભરવાલ છે. જો કે, ઇન્‍ડિયન પાઇલટ્‍સ એસોસિએશન અને સભરવાલના પરિવારે આ દાવાની નિંદા કરી છે, અને કહ્યું છે કે આ અકસ્‍માત માટે કોઈના પર દોષારોપણ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. તેઓ કહે છે કે વિમાન ઉત્‍પાદક, એરલાઇન અને અકસ્‍માતમાં સામેલ અન્‍ય પરિબળોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

તપાસ કેબિન ઓડિયો રેર્કોડિંગ્‍સ પર કેન્‍દ્રિતઃ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્‍બરમાં, એરક્રાફ્‌ટ એક્‍સિડેન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન બ્‍યુરો (AAIB) ના ભારતીય તપાસકર્તાઓ વોશિંગ્‍ટન ગયા હતા. તેઓએ ત્‍યાં નેશનલ ટ્રાન્‍સપોર્ટેશન સેફ્‌ટી બોર્ડની લેબમાં વિમાનના બ્‍લેક બોક્‍સ ડેટાનું ફરીથી વિશ્‍લેષણ કર્યું. આ ધ્‍યાન ખાસ કરીને કેબિન ઓડિયો રેર્કોડિંગ્‍સ પર હતું. ઓડિયો વિશ્‍લેષણથી સ્‍પષ્ટ થયું કે કયા પાઇલટે ઘાતક પગલું ભર્યું.

અમેરિકન નિષ્‍ણાતોને કોઈ ટેકનિકલ ખામી મળી નથીઃ અખબારના અહેવાલો અનુસાર, બોઇંગ ૭૮૭ ના સિમ્‍યુલેટર પરીક્ષણો કરનારા અમેરિકન નિષ્‍ણાતોને કયારેય કોઈ પુરાવા મળ્‍યા નથી કે બંને એન્‍જિન ખામીને કારણે બંધ થયા હતા. માનવ હસ્‍તક્ષેપ (ઇરાદાપૂર્વક અથવા આકસ્‍મિક) અકસ્‍માતનું એકમાત્ર કારણ હતું. ફ્‌લાઇટ ડેટા રેકોર્ડરના આધારે, પશ્‍ચિમી નિષ્‍ણાતોના મૂલ્‍યાંકનમાં સભરવાલ તરફ ધ્‍યાન દોરવામાં આવ્‍યું. વધુમાં, એન્‍જિન એક પછી એક બંધ થયાઃ પહેલા ડાબું એન્‍જિન જ્‍યાં કેપ્‍ટન બેસે છે, પછી જમણું એન્‍જિન...

પ્રારંભિક અહેવાલમાં ફયુઅલ સ્‍વીચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો : એ નોંધનીય છે કે અકસ્‍માતના એક મહિના પછી બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ફયુઅલ સ્‍વીચને ‘રન' થી ‘કટઓફ' પર ખસેડવામાં આવ્‍યા પછી એન્‍જિન લગભગ એક સાથે બંધ થઈ ગયા હતા. કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એક પાઇલટ પૂછતો રેકોર્ડ થયો, તમે એન્‍જિન કેમ બંધ કર્યા? જેના જવાબમાં બીજાએ જવાબ આપ્‍યો, ‘મેં નથી કર્યું.' જોકે, રિપોર્ટમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું નથી કે કયા પાઇલટે આ નિવેદન આપ્‍યું હતું

(10:35 AM IST)